Zomato IPO: ફૂડ ડિલિવરી કંપની Zomatoનો 9375 કરોડ રૂપિયાનો આઈપીઓ (IPO) બુધવારે 14 જુલઈના રોજ ખુલશે. જે 10 જુલાઈથી શરુ થનાર Zomatoના 13માં બર્થડે વીકની સાથે થશે.


બેન્કિંગ સૂત્રોનું કહેવું છે કે, શરૂઆતમાં કંપની 7500 કરોડ રૂપિયા મેળવવાની યોજના બનાવી રહી હતી પરંતુ રોકાણકારોની મજબૂત માગને કારણે ઓફર સાઈઝ 25 ટકા વધારવામાં આવી છે. એબીપી ન્યૂઝ દ્વારા સમીક્ષા કરવામાં આવેલ ડ્રાફ્ટ દસ્વાતેજો અનુસાર 9000 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યુ શુક્રવારે 16 જુલાઈના રોજ બંધ થશે અને 27 જુલાઈના રોજ તે લિસ્ટ થશે.


જાણવા મળ્યું છે કે, ઝોમેટોમાં શરૂઆતમાં રોકાણ કરનાર ઇન્ફોએજ આઈપીઓમાં પોતાના ઓફર ફોર સેલનું કદ પહેલા 750 કરોડ રૂપિયા હતું તેને ઘટાડીને 375 કરોડ રૂપિયા કર્યું છે. આઈપીઓની પ્રાઈસ બેન્ડ 70 રૂપિયાથી 72 રૂપિયા પ્રતિ શેર હોઈ શકે છે. બેંકરો અનુસાર કંપનીનો ટાર્ગેટ 60,000 કરોડ રૂપિયાથી વધારેની પોસ્ટ-ડાયલ્યૂટિડ વેલ્યૂએશન છે.


ગ્રે માર્કેટ ભાવ


આઈપીઓમાં રિટેલ રોકાણકારો માટે 10 ટકા અનામત હશે. જ્યારે ઝોમેટોનો શેર ગ્રે માર્કેટમાં 85થી 90 રૂપિયાની વચ્ચે જોવા મળી રહ્યો છે. ફંડના સંદર્ભમાં Zomatoનો IPO ભારતનો ત્રીજો સૌથી મોટો આઈપીઓ હશે. 2008 અને 2007માં આઈપીઓમાં રિલાયન્સ પાવર અને ડીએલએફે ક્રમશઃ 10123 કરોડ રૂપિયા અને 9188 કરોડ રૂપિયા મેળવ્યા હતા.


કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા કંપની પ્રાઈવેટ લિમિટેડ અને ક્રેડિટ સુઇસ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ આ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે. જ્યારે નાણાંકીય વર્ષ 2021ના પ્રથમ ક્વાર્ટરમાં Zomatoની આવક 1367 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે Zomatoએ આ ગાળામાં 1724 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આમ આ ક્વાર્ટરમાં કંપનીને 684 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી.


નાણાંકીય વર્ષ 2020માં Zomatoની આવક 96 ટકા વધી છે. જે નાણાંકીય વર્ષ 2019માં 1398 કરોડ રૂપિયા હતી તે નાણાંકીય વર્ષ 2020માં 2743 કરોડ રૂપિયા હતી. Zomatoને ઓછામાં ઓછા 403 મિલિયન ઓનલઈન ઓર્ડર મળ્યા, જેનું કૂલ ઓર્ડર મૂલ્ય નાણાંકીય વર્ષ 2020 દરમિયાન 11221 કરોડ રૂપિયા હતું. વિતેલા વર્ષે Zomatoએ 2 લાખથી વધારે ડિલીવરી પાર્ટનર્સ સાથે ભારતમાં લગભગ 500 શહેરમાં ડિલીવરી સેવાઓ આપી છે.