Zomato Swiggy Platform Fees: તહેવારની સીઝન દરમિયાન ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવા પર હવે તમારે વધુ પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. બંને ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ કંપનીઓ Zomato અને Swiggy એ પ્લેટફોર્મ ફી વધારીને પ્રતિ ઓર્ડર 10 રૂપિયા કરી દીધી છે. સૌ પ્રથમ Zomato એ પ્લેટફોર્મ ફી વધારવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ Swiggy એ પણ પ્લેટફોર્મ ફી વધારી દીધી છે.
બુધવાર 23 ઓક્ટોબરે સ્ટોક એક્સચેંજે Zomato પાસેથી તહેવારની સીઝનમાં ઓનલાઇન ફૂડ ડિલિવરીમાં આવેલા વધારા બાદ પ્લેટફોર્મ ફી 10 રૂપિયા વધારવા અંગેની મીડિયામાં આવેલી ખબરો અંગે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. Zomato લિસ્ટેડ કંપની હોવાથી તેની પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી હતી. ગુરુવાર 24 ઓક્ટોબર 2024ના રોજ Zomato એ સ્ટોક એક્સચેંજમાં દાખલ કરેલી નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું કે, "અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ અફવા નથી. કારણ કે મીડિયામાં આવેલા સમાચારનો સ્ત્રોત Zomato મોબાઇલ એપ છે જે જાહેર રીતે ઉપલબ્ધ છે અને કોઈપણ તેને જોઈ શકે છે."
Zomato એ જણાવ્યું કે, તેમણે કેટલાક શહેરોમાં બુધવાર 23 ઓક્ટોબરે પ્લેટફોર્મ ફી વધારી છે. કંપનીએ જણાવ્યું કે આવા ફેરફારો નિયમિત વ્યવસાયનો ભાગ છે અને કંપની સમયાંતરે આવા નિર્ણયો લે છે. કંપનીએ જણાવ્યું કે એક શહેરથી બીજા શહેરની પ્લેટફોર્મ ફી અલગ અલગ હોઈ શકે છે.
Zomato પહેલાં જ્યાં 6 રૂપિયા પ્રતિ ઓર્ડર પ્લેટફોર્મ ફી ચાર્જ કરતી હતી, હવે કંપનીએ તેને વધારીને 10 રૂપિયા પ્રતિ ઓર્ડર કરી દીધી છે. Swiggy પહેલાં 7 રૂપિયા પ્લેટફોર્મ ફી વસૂલતી હતી જેને વધારીને કંપનીએ 10 રૂપિયા પ્રતિ ઓર્ડર કરી દીધી છે. Zomato એ કહ્યું કે, પ્લેટફોર્મ ફીમાં વધારો એક તાત્કાલિક નિર્ણય છે. જે તહેવારની સીઝનમાં ઓર્ડરમાં આવેલા વધારાને મેનેજ કરવા માટે લેવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું, આ ફી દ્વારા Zomato ને તેના બિલની ચુકવણી કરવામાં મદદ મળશે.
પ્લેટફોર્મ ફી શું છે
પ્લેટફોર્મ ફી દરેક ઓર્ડર પર વસૂલવામાં આવતી વધારાની ફી છે. આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી), રેસ્ટોરન્ટ ચાર્જ અને ડિલિવરી ચાર્જથી અલગ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝોમેટોએ પ્લેટફોર્મ ફીમાં વધારાને કારણે ગયા નાણાકીય વર્ષમાં 64.7 કરોડના ઓર્ડર વોલ્યુમના આધારે વાર્ષિક 65 કરોડ રૂપિયાની વધારાની કમાણી કરી હતી. 22 ઓક્ટોબરના રોજ, કંપનીએ તેના Q2 માં સાધારણ નફો નોંધાવ્યો હતો. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 152 નવા બ્લિંકિટ ડાર્ક સ્ટોર્સ ઉમેર્યા તેની કુલ સંખ્યા 791 થઈ હતી. જો આપણે બીજા ક્વાર્ટર વિશે વાત કરીએ તો કંપનીની આવકમાં વાર્ષિક ધોરણે 69 ટકાનો વધારો થયો છે જે અંદાજે 4,800 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
આ પણ વાંચોઃ
કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિને લઈને મોદી સરકારે બનાવ્યા નવા નિયમ, જાણો શું ફેરફાર થયા