MP Politics: મધ્યપ્રદેશમાં રાજકારણમાં હાલ પૂર્વ સીએમ કમલનાથ ચર્ચાંમાં છે. કમલનાથ તેના પુત્ર સાથે ભાજપમાં એન્ટ્રી કરે તે અટકળો તેજ થઇ રહી છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથ અને સાંસદ પુત્ર નકુલ નાથ રવિવારે (18 ફેબ્રુઆરી) સાંજે ભાજપમાં જોડાઈ શકે છે. જ્યારે કમલનાથ અને નકુલ નાથ ભાજપમાં જોડાશે ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર રહી શકે છે.
જો કે બીજી તરફ કોંગ્રેસના નેતા હજું પણ આ વાતને નકારી રહ્યાં છે કે કમલનાથ પાર્ટી છોડી રહ્યાં છે. આ પહેલા પણ પાર્ટીથી નારાજ કમલનાથે સોનિયા ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓ કાલે મધ્યપ્રદેશના કાર્યક્રમ છોડીને અચાનક દિલ્લી જવા રવાના થયા છે. આ બધી જ ગતિવિધિના કારણે અટકળો તેજ થઇ ગઇ છે કે કમલનાથ હાથનો સાથે છોડીને ભાજપમાં એન્ટ્રી કરશે,
કોંગ્રેસ પક્ષ સાથે કમલનાથની અણબનાવ તાજેતરની ઘટના નથી. તેની શરૂઆત મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા થઈ હતી. વાસ્તવમાં કોંગ્રેસે રણદીપ સુરજેવાલાને વિધાનસભા ચૂંટણી માટે પ્રદેશ પ્રભારી બનાવ્યા હતા, તે સમયે કોંગ્રેસની ચૂંટણીની લગામ કમલનાથના હાથમાં હતી. તે દરમિયાન સુરજેવાલા અને કમલનાથ વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદ હતા અને ત્યાંથી જ અણબનાવ શરૂ થયો હતો.
પૂર્વ સાંસદ સીએમ અને કોંગ્રેસના નેતા કમલનાથ પર પાર્ટીના નેતા પીસી શર્માએ કહ્યું કે, “મેં તેમની કાર્યશૈલીને ખૂબ નજીકથી જોઈ છે, એવું શક્ય નથી કે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય. આ બધી મીડિયા અટકળો છે અને તેણે એમ પણ કહ્યું છે કે એવું કંઈ નથી. જ્યાં સુધી મને ખબર છે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે તેમની (કમલનાથ) સાથે સતત વાત કરી રહ્યા છે. મને આ અટકળોમાં કોઈ યોગ્યતા દેખાતી નથી”.
તો બીજી તરફ મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા દીપક સક્સેનાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ કમલનાથની સતત અવગણના કરી રહી હતી, તેમને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા, વિધાનસભા ચૂંટણીમાં હારનો દોષ તેમના માથે નાખવામાં આવ્યો હતો, તેમને રાજ્યસભાની બેઠક પણ આપવામાં આવી ન હતી. જેના કારણે તેઓ કોંગ્રેસમાં લાચાર અને અપમાનિત અનુભવી રહ્યા હતા. કમલનાથના બીજેપીમાં સામેલ થવાના સવાલ પર દીપક સક્સેનાએ કહ્યું કે આ એક શક્યતા હોઈ શકે છે.