Latest Rajkot News: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી તા.25મીને રવિવારના રાજકોટ ખાતે એઈમ્સ, ઝનાના હોસ્પીટલ સહિતના કરોડોના પ્રોજેકટોનું લોકાર્પણ કરવા આવશે. પ્રધાનમંત્રી ના કાર્યક્રમની રિવ્યુ મીટિંગમાં કલેકટરે અનેક અધિકારીઓને ખખડાવ્યા હતા. સ્વભાવે શાંત ગણાતા કલેકટર પ્રભવ જોશીએ રાજકોટમાં પ્રથમ વખત પોતાનો આકરો મિજાજ બતાવ્યો હતો. 26 કમિટીના અધ્યક્ષોને કલેક્ટર એ પૂછ્યું તમે ગ્રાઉન્ડ પર ગયા હતા અને તમારી કામગીરી ક્યાં સુધી પહોંચી. જિલ્લા કલેકટરે પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને કામગીરી ક્યાં પહોંચી તેનો રિવ્યુ માગતા અનેક અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો.
તમામ સ્ટાફની રવિવારની રજા રદ કરવામાં આવી
પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા અમુક અધિકારીઓની બેદરકારીને કારણે કલેકટરે આકરો મિજાજ બતાવ્યો હતો. સ્ટાફને કાળા કપડા પહેરીને કાર્યક્રમમાં ન આવવા માટે પણ આદેશ આપવામાં આવ્યો હતો, ઉપરાંત 25 મી એ તમામ સ્ટાફની રવિવારની રજા રદ કરવામાં આવી છે. રાજકોટમાં 25મીના પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે.
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જંગી જનસભાના સ્થળ પરથી જ આ વિકાસકામોના લોકાર્પણ અને ખાત મુહુર્ત કરનાર છે. જેમાં રાજકોટ કાનાલુસ ડબલીંગ રેલવે લાઇનનો પ્રોજેક્ટ કે જે રૂા.1080 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. જેનું લોકાર્પણ પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના રૂા.303 કરોડના 400 કેવી સબ સ્ટેશન, ભાવનગરના રૂ. 87 કરોડના એનર્જી એન્ડ પેટ્રો કેમીકલ પ્રોજેક્ટ, અમરેલીના રૂ. 56 કરોડના એનર્જી એન્ડ પેટ્રો-કેમીકલ્સ પ્રોજેક્ટ લોકાર્પણ તેમજ પાલીતાણા ખાતે રૂ. 285 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલનું ખાત મુહુર્ત આ ઉપરાંત ભાવનગરમાં 118 કરોડના ખર્ચે નિર્માણ થનાર બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલનું ખાત મુહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે તેની સાથોસાથ ધોળા વિરામાં રૂા.66 કરોડના ખર્ચે ટુરીસ્ટ ફેસેલીટી ઉભી કરનાર છે તેનું ખાત મુહુર્ત કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટથી કરનાર છે જેમાં 95 કરોડના ખર્ચે રાજકોટ નજીકના ગવરીદડ ખાતે સમ્પ નિર્માણ કરવામાં આવનાર છે તેના લોકાર્પણનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી રાજકોટના આ કાર્યક્રમ દરમિયાન રૂ. પાંચ હજાર કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાત મુહુર્ત કરનાર હોવાનું જાણવા મળ્યું છે. વડાપ્રધાનના રાજકોટના આ કાર્યક્રમ માટે જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ 26 જેટલી વિવિધ કમિટિઓની રચના કરવામાં આવી હતી.