Wang Yi India Visit: ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી વાંગ યી ભારત આવ્યા છે. આ પહેલા તેમણે અઘોષિત રીતે પોતાનો કાબુલ પ્રવાસ કર્યો હતો અને ત્યાર બાદ તે ભારતના પ્રવાસે સીધા દિલ્હી પહોંચી ગયા છે. લદ્દાખ સરહદ વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે 15 રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે અને આવી સ્થિતિમાં ચીનના વિદેશ મંત્રીની આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ છે.


 




આ નેતાઓ સાથે મુલાકાત સંભવ 


2020ની ગલવાન ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. ચીનના વિદેશ મંત્રીની મુલાકાતને લઈને હજુ સુધી ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જાણકારી અનુસાર વાંગ યી શુક્રવારે પોતાના સમકક્ષ એસ જયશંકર અને NSA અજીત ડોભાલને સાથે મુલાકાત કરી શકે છે.


OICની બેઠકમાં ભાગ લેતા ચીનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે અમે કાશ્મીર મુદ્દે ફરી એકવાર ઘણા ઈસ્લામિક મિત્રોની વાત સાંભળી છે. વાંગે કહ્યું કે ચીનનું માનવું છે કે કાશ્મીર વિવાદનો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને દ્વિપક્ષીય કરારો અનુસાર યોગ્ય અને શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ.


ભારતે નોંધાવ્યો હતો વિરોધ


કાશ્મીર અંગે ચીની વિદેશ મંત્રીના આ નિવેદન બાદ ભારતે વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, ઓઆઈસીના ઉદ્ધાટન સમારોહમાં પોતાના ભાષણમાં ચીનના વિદેશ મંત્રીએ ભારતને લઈને જે સંદર્ભ આપ્યો તે ગેરવ્યાજબી હતો અને અમે તેને નકારી કાઢીએ છીએ.