West Bengal : પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટના બોગતુઈ ગામમાં ત્રણ મહિલાઓ અને બે બાળકો સહિત આઠ લોકોને જીવતા સળગાવી દેવાના મામલામાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીને બોગતુઈ ગામમાં જતા અટકાવવામાં આવ્યા હતા. તેમણે આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખેલા પત્રમાં રાજ્યમાં કલમ 355 લાગુ કરવાની સાથે અધીર રંજને કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસની માંગ કરી છે.


મમતા  બેનર્જી પીકનીક પર આવ્યાં હતા : અધીર રંજન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા અધીર રંજને કહ્યું કે, બંગાળના સીએમ અહીં પિકનિક માટે આવ્યા હતા. તે હેલિકોપ્ટર દ્વારા આવ્યાં, મીટિંગ કરી, ભોજન લીધું અને ચાલ્યા ગયા. તેણે સ્થાનિક લોકોની વાત સાંભળવી જોઈતી હતી.


બંગાળમાં 'માનવ રાજ' નથી પણ 'દાનવ રાજ'
બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજને  વધુમાં કહ્યું કે, આ મધ્યયુગીન બર્બરતાનું જીવંત ઉદાહરણ છે. અહીં 'માનવ રાજ' નથી પણ 'દાનવ રાજ' છે. મુખ્યમંત્રીએ રાજ્યને બરબાદ કરી નાખ્યું છે. પોલીસ અને ટીએમસીની મિલીભગતથી રાજ્યને લૂંટવામાં આવી રહ્યું છે. બંગાળ જેવી સ્થિતિ અન્ય કોઈ રાજ્યમાં નથી.


12 ઘરોને આગ લગાડવામાં આવી,  8 લોકો જીવતા સળગી ગયા 
મંગળવારે વહેલી સવારે રામપુરહાટના બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોમાં આગ લગાડવામાં આવતા બે બાળકો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પંચાયત-સ્તરના નેતાની કથિત હત્યાના કલાકોમાં આ ઘટના બની હતી.


અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ 
તૃણમૂલ કોંગ્રેસના નેતાની હત્યા બાદ રામપુરહાટ શહેરની બહારના બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોને કથિત રીતે સળગાવી દેવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકોએ પોતાના નેતાની હત્યાનો બદલો લેવા ઘરોને આગ લગાવી દીધી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.