અમદાવાદ:ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મંત્રીમંડળના તમામ સભ્યોને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી જશે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આવું થશે. મુખ્યમંત્રી એકલા નહીં, પરંતુ મંત્રીમંડળના તમામ સભ્યોને સાથે લઇને દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મળવા જશે. સામાન્ય રીતે રાજ્યના કોઇપણ મુખ્યમંત્રી બન્યા પછી તેઓ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને મળવા જતાં હોય છે. પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી શુભેચ્છા મુલાકાતે એકલા જવાને બદલે નવો અભિગમ દાખવી બધાને સાથે લઈ જશે. રૂપાણી મંત્રીમંડળ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મેળવશે. મુખ્યમંત્રી કચેરી દ્વારા વડાપ્રધાનની મુલાકાતનો સમય માંગવામાં આવ્યો છે. વડાપ્રધાનની અપોઇન્ટમેન્ટ મળ્યા બાદ ટીમ રૂપાણી દિલ્હી જશે.
ગુજરાતમાં 13 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ સંભાળનાર અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના શપથ સમારોહમાં હાજર ન રહી શક્યાં હોવાથી અને વડાપ્રધાનને ગુજરાત સાથે નાતો હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અગાઉ પોતે એકલા જવાના હતા, પરંતુ મંત્રીમંડળના અન્ય સાથીઓ પણ નરેન્દ્ર મોદી સાથે સંબંધ ધરાવતાં હોવાથી તેમનું માર્ગદર્શન મેળવવા મંત્રીમંડળના તમામ સભ્યો પણ સાથે જશે.રૂપાણીના નવા મંત્રીમંડળના ઉત્સાહમાં વધારો કરવા અને તેમને વહીવટી બાબતોનું સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે નરેન્દ્ર મોદી તેમને માર્ગદર્શન આપશે. નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રી મંડળની એક કલાકની વિશેષ બેઠક યોજાય તેવી શક્યતા સત્તાવાર સૂત્રોએ વ્યક્ત કરી છે.