Delhi Fire: દિલ્હીના મુખર્જી નગરમાં સંસ્કૃતિ કોચિંગ સેન્ટરમાં આગ લાગતા હોબાળો મચી ગયો હતો. કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ છત પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ સાથે આગને કાબૂમાં લેવા માટે 11 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દોરડાની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ ત્રીજા માળેથી દોરડા પરથી નીચે કૂદી રહ્યા છે. ફાયર વિભાગે પણ સ્થળ પર પહોંચી અને વિદ્યાર્થીઓને બચાવ્યા અને જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર તમામ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે. કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ નથી. સ્થિતિ નિયંત્રણમાં છે. અમારા વાહનો પહોંચે તે પહેલા જ કેટલાક વિદ્યાર્થીઓએ દોરડા પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
વિદ્યાર્થીઓએ દોરડા પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો
મળતી માહિતી મુજબ, આ આગ ઈલેક્ટ્રીક મીટરમાં લાગી હતી, જે બાદ આખા કોચિંગ સેન્ટરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. જે બાદ વિદ્યાર્થીઓએ દોરડાની મદદથી બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. દોરડાની મદદથી કૂદવાને કારણે 4 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઈલેક્ટ્રીક મીટરમાં આગ લાગ્યા બાદ આખી ઈમારતમાં ધુમાડો છવાઈ ગયો હતો. ધુમાડો વધ્યા બાદ કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા અને નીચે દોડવા માટે દોરડા વડે બિલ્ડિંગની બારીમાંથી કૂદવા લાગ્યા.