ફ્રાન્સના પેરિસમાં શુક્રવાર (1 સપ્ટેમ્બર)થી ઇલેક્ટ્રિક સ્કૂટર પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રિક સ્કૂટર પર પ્રતિબંધ સાથે પેરિસે એક  રેકોર્ડ બનાવ્યો છે, કારણ કે, તે આવો નિર્ણય લેનાર  યુરોપનું પહેલું શહેર બની ગયું છે,


નોંધપાત્ર વાત એ છે કે, ફ્રાંસની રાજધાનીના મેયરે આ નિર્ણય અંગે પહેલા જ જાણ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે 1 સપ્ટેમ્બરથી ઇલેક્ટ્રિક સ્કૂટર પર પ્રતિબંધ મૂકવામાં આવશે, જે આજથી લાગુ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, જનતાએ રસ્તા પરથી ઇલેક્ટ્રિક સ્કૂટર હટાવવા માટે મતદાન કર્યું હતું. તેમણે કહ્યું કે એપ્રિલ મહિનામાં પેરિસમાં લોકમત યોજવામાં આવ્યો હતો.આ દરમિયાન લગભગ 90 ટકા લોકોએ રસ્તાઓ પરથી ઇલેક્ટ્રિક સ્કૂટર હટાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું, જેથી જનમતના તરફેણમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.


પેરિસમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ભાડે આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, ખુદના માલિકીના ઈલેક્ટ્રિક સ્કૂટરને હજુ પણ રસ્તા પર ચલાવવાની છૂટ છે.


વધતા જતાં અકસ્માતના કારણે લેવાયો નિર્ણય


ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ પેરિસમાં ઈલેક્ટ્રિક સ્કૂટરને કારણે અકસ્માતો વધ્યાં છે. અકસ્માતોને કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થયા પછી, સરકારે જનમત લેવાનો નિર્ણય કર્યો. પેરિસમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ભાડે આપવાનો ટ્રેન્ડ છે. જો કે પેરિસના મેયરે કહ્યું કે, ભાડે ઇલેકટ્રીક સ્કૂટર લેવાથી તેનો દુરપયોગ થાય છે અને તેના કારણે અકસ્માત પણ વધ્યાં છે જેથી આ ભાડાના ઇલેક્ટ્રિક સ્કૂટર પર પ્રતિબંધ મૂકાયા છે.


પ્રતિબંધ લાગુ થયા બાદ આ રીતે ભાડાના  સ્કૂટરનો ઉપયોગ કરનાર વેલેરી રિંકલે કહ્યું કે, મને આ નિર્ણયથી તકલીફ થઇ છે.  કારણ કે મને આ રીતે કાર કરતા સ્કૂટરમાં ટ્રાફિક જામમાં ફસાયા વિના ફરવું ગમે છે. , ઇ-સ્કૂટર ઓપરેટર્સનું પણ  માનવું  છે કે,  સરકાર આ નિર્ણય પર ફેરવિચાર કરવો જોઇએ.  નવા કોઇ નિયમો લાગૂ કરીને પણ ઇલેક્ટ્રિક ભાડાના સ્કૂટરની સેવા ફરી ચાલું રહી શકે છે.


રિપોર્ટ અનુસાર, પેરિસમાં માત્ર ભાડાના ઇલેક્ટ્રિક સ્કૂટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી લોકો તેમના પર્સનલ ઇલેક્ટ્રિક સ્કૂટર રસ્તાઓ પર ચલાવી શકશે.  ઉલ્લેખનિય છે કે,  પેરિસમાં જે ઈલેક્ટ્રિક સ્કૂટર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે ફ્રી ફ્લોટિંગ ઈલેક્ટ્રિક સ્કૂટર છે. તે જોવામાં સ્કેટબોર્ડ જેવું લાગે છે કારણ કે તેમના ડ્રાઈવર ઉભા થઈને તેને ચલાવે છે અને રસ્તા પર સ્ટંટ કરે છે,  જેના કારણે શહેરમાં અકસ્માતો વધ્યાં છે.