અમદાવાદ :   રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત છે.  દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે.  સુરત, વલસાડ, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.  તાપમાનમાં 1 થી 2 ડીગ્રીનો વધારો થઈ શકે છે.  


દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. વલસાડ, ડાંગ અને તાપીમાં હળવો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અલ નીનોની અસરને કારણે વરસાદી પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો છે.  




હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ,ગાંધીનગર, ખેડા, પાટણ,  અમરેલી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.   કચ્છ, મહેસાણા, આણંદ, વડોદરામાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.  ગીર સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.


રાજ્યોમાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાને કારણે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. સાથે જ ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર સહિત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, રાજધાની દિલ્હીમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે. જો કે બંગાળીની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ રહી છે જેના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ ગુજરાત સહિતના આસપાસના રાજ્યોમાં વરસાદ પડી શકે છે.                                                                                       


અલ નીનોના કારણે  વરસાદે વિરામ લીધો છે પરંતુ  પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ સહિત અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભૂસ્ખલનની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ બિહારમાં ઉનાળો શરૂ થઈ ગયો છે. એક સપ્તાહ સુધી હવામાન આવું જ રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ધીમે ધીમે હવામાન સાફ થઈ રહ્યું છે, જ્યારે હિમાચલમાં આગામી 4 દિવસ સુધી આકાશ સ્વચ્છ રહેશે.                         


દક્ષિણના રાજ્યોમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ સહિત કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.