લોકસભા ચૂંટણીના ( loksabha Election) છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. લોકો મતદાન કરવા માટે તમામ મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. આ દરમિયાન હંગામો અને મારપીટના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં મતદાનને લઈને મતદાન કેન્દ્ર પર ફરી હંગામો થયો છે. પશ્ચિમ બંગાળના સતુલિયા અને ભાંગરમાં મતદાન કેન્દ્રો પર હંગામો અને બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. અહીં તોફાની, અસામાજિક તત્વોએ રિઝર્વ ઈવીએમ પણ તળાવમાં ફેંકી દીધા હતા. આ અંગે મમતા બેનર્જી પર નિશાન સાધતા ભાજપ સરકારે કેટલાક આક્ષેપ કર્યાં છે.
કુલતાલીમાં બોમ્બ વિસ્ફોટ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન ફરી એકવાર હિંસા ફેલાઈ છે. મતદાન દરમિયાન દક્ષિણ 24 પરગણાના કુલતાલીમાં કેટલાક અરાજકતાવાદી તત્વોએ અચાનક હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન બૂથ પર પથ્થરમારાની સાથે દેશી બોમ્બથી વિસ્ફોટ પણ કરવામાં આવ્યા હતા. જેના કારણે બૂથ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. કુલતાલીના બૂથ નંબર 40 અને 41 પર દેશી બનાવટના બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનામાં ISF અને CPIM સમર્થકો પણ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
VVPAT મશીન તળાવમાં ફેંક્યું
જ્યારે અરાજકતાવાદી તત્વોએ બૂથ પર ક્રૂડ બોમ્બથી હુમલો કર્યો ત્યારે અંદર અરાજકતા ફેલાઈ ગઈ હતી. પ્રિસાઇડિંગ ઓફિસર અને અન્ય પોલિંગ કર્મચારીઓ રૂમની બહાર દોડી ગયા. આ દરમિયાન ત્યાં રાખેલા કેટલાક રિઝર્વ ઈવીએમ પણ તોફાની તત્વો દ્વારા તળાવમાં ફેંકી દીધા હતા. આ દરમિયાન વિસ્તારમાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તોફાની તત્વોનો પીછો શરૂ કર્યો હતો. હાલ પરિસ્થિતિને પહોંચી વળવા પોલેરહાટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.
ભાજપે ટીએમસી સમર્થકો પર લગાવ્યો આરોપ
ભાજપે ટીએમસી કાર્યકર્તાઓ પર બોમ્બ ધડાકા અને પોલિંગ બૂથ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. બીજેપીએ પણ ટ્વીટ કર્યું છે કે મમતા બેનર્જી જાણે છે કે મતદાન મથક પર બોમ્બ ક્યાંથી આવી રહ્યા છે.