મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવા અંગે મોદી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. આ અહેવાલો લોકોને ગેરમાર્ગે દોરનારા અને આધારહીન છે એવું મોદી સરકાર વતી પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના માધ્યમથી સ્પષ્ટ કરાયું છે.
મીડિયામાં છપાયેલા અહેવાલમાં દાવો કરાયો હતો કે, દેશમાં કોરોનાના કેસો 20 લાખને પાર થઈ ગયા છે છતાં મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજો ખોલવાની ક્વાયત શરૂ કરી છે. આ અહેવાલના દાવા પ્રમાણે, મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે સ્કૂલ-કોલેજો ખોલવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે. આ પ્રકારના અહેવાલો સોશિયલ મીડિયામાં પણ મોટા પ્રમાણમાં ફરતા થયા છે.
sઆ અહેવાલો પ્રમાણે, મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે સ્કૂલ-કોલેજો ખોલશે તેમાં સૌથી પહેલાં તમામ કોલેજો તથા ધોરણ 11 અને ધોરણ 12ના વર્ગો શરૂ કરાશે. એ પછી ધોરણ 8થી ધોરણ 10 અને પછી ધોરણ 5થી ધોરણ 7ના વર્ગો શરૂ કરાશે. આ રીતે 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તબક્કાવાર રીતે સ્કૂલ-કોલેજો ખોલી દેવાશે એવો દાવો કરાયો હતો પણ આ દાવામાં દમ નથી તેવી સ્પષ્ટતા મોદી સરકારે કરી દેતાં આ વાતોમાં આવી જવા જેવું નથી.