અમદાવાદઃ રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને બે સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

રાજયમાં હાલ સારા વરસાદ માટે સર્જાયેલી સાનુકુળ સ્થિતિના પગલે જળાશયોના જળસ્તર વધવાની પૂર્ણ શક્યતાઓ છે. રાજ્યમાં અત્યારે સુધીમાં સિઝનનો 65 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નર્મદા, સુરત-તાપી-જામનગર, રાજકોટમાં અતિભારે વરસાદ પડી શકે છે.
આવતીકાલે સુરેંદ્રનગર-દાહોદ, આણંદ-મહિસાગર-પંચમહાલમાં અતિભારે વરસાદ પડી શકે છે. વડોદરા, છોટાઉદેપુર, ડાંગ નવસારી, વલસાડ-દમણ-ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.

રવિવારે ડાંગ, નવસારી-ગીર સોમનાથ, દ્વારકા-સોમનાથ-જૂનાગઢ-મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ-અરવલ્લી-બનાસકાંઠા- ખેડા મહેસાણા-પાટણ સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે.