નવી દિલ્લીઃ મોદી સરકારના કૃષિ કાયદા સામે વિરોધ કરી રહેલા ખેડૂતોની ટ્રેકટર પરેડ હિંસક બની હતી અને કેટલાક ખેડૂતોએ દિલ્લીમાં ઘૂસીને હૉંસા કરી હતી. દિલ્લીમાં લાલ કિલ્લા સુધી પહોંચી ગયેલા કેટલાક ખેડૂતોએ લાલ કિલ્લા વિસ્તારમાં તોફાન કર્યું હતું.


એક સીખ દેખાવકાર લાલ કિલ્લા પર ચડી ગયો હતો અને ખેડૂત સંગઠનોનો ઝંડો ફરકાવી દીધો હતો. લાલ કિલ્લા પર વડાપ્રધાન તિરંગો ફરકાવે છે તે જગ્યાએ ખેડૂતે પોતાના સંગઠનનો ઝંડો ફરકાવ્યો હતો. લાલ કિલ્લા પરિસરમાં ખેડૂતો ટ્રેકટર પર ફરી રહ્યા હતા તેથી હિંસાની આશંકાના પગલે આ વિસ્તાર બંધ કરી દેવાયો હતો.

આ ઉપરાંત અક્ષરધામની નજીક ગાજીપુર બોર્ડર પર તણાવ પેદા થઈ ગયો હતો. પ્રદર્શનકારી ખેડૂતોએ દિલ્હી પોલીસ પર પહેલાં ટ્રેકટર ચઢાવાની કોશિષ કરી. એક નિહંગ સાધુએ તલવાર લઇ પોલીસકર્મી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આસપાસ હાજર ખેડૂતોને તેમને રોકયા હતા. બીજાં સ્થળે પણ પોલીસ અને ખેડૂતોની વચ્ચે સંઘર્ષ થયો હતો.

મુકરબા ચોકમાં પોલીસે મૂકેલી બેરિકેડ્સ અને બીજા અવરોધોને ખેડૂતોએ ટ્રેકટરોથી તોડવાની કોશિષ કરી હતી. પોલીસે તેમને રોકવા ખેડૂતોના ગ્રૂપ પર ટિયરગેસ છોડ્યા હતા. સિંઘુ, ટિકરી, અને ગાજીપુર બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના કેટલાંક ગ્રૂપ ટ્રેકટર પરેડ માટે નક્કી સમયથી પહેલાં જ બેરિકેડ્સ તોડીને દિલ્હીમાં દાખલ થઇ ગયા હતા. સિંધુ બોર્ડર પર ખેડૂતોની ભીડને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડી દીધા. તેઓ નક્કી સમય કરતાં પહેલાં આઉટર રિંગ રોડની તરફ માર્ચ કરવાની કોશિષ કરી રહ્યા હતા.