નવી દિલ્ઙીઃ પોતાના નિવેદનના કારણે સતત ચર્ચામાં રહેતી કંગના રનૌત ફરી એક વખત વિવાદમાં આવી શકે છે. નવા કૃષિ કાયદા પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કરેલા ટ્વિટને લઈ હરિયાણાના ઝીંદમાં ખાપ પંચાયતે તેની સામે મોરચો માંડ્યો છે. શનિવારે ખાપ પંચાયતે કંગનાના બહિષ્કારનો ફેંસલો લીધો હતો.


નવા કૃષિ કાનૂને લઈ ખેડૂતોના પ્રદર્શન પર તેણે ઘણા ટ્વિટ કર્યા છે. એક ટ્વિટમાં તેણે લખ્યું હતું, શાહીનબાગની દાદી પણ કૃષિ કાનૂનને લઈ ખેડૂતોના આંદોલનમાં સામેલ થઈ ગઈ છે અને ટાઇમ મેગેઝિનમાં સ્થાન મેળવી ચૂકેલી દાદી 100 રૂપિયામાં ઉપલબ્ધ છે. કંગનાએ ટ્વિટ કરીને કહ્યું, મારો દેશભરના ખેડૂતોને અનુરોધ છે કે તમારા પ્રદર્શનને કોઈ ખાલિસ્તાની ટુકડે ગંગે કે કોઈ કમ્યુનિસ્ટ્સ ને હાઇજેક ન કરવા દેતા.

દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ મંજિંદર સિંહ સિરસાએ કંગનાને બિનશરતી માફી માંગવા કહ્યું છે. તેમણે કંગનાના ટ્વિટ પર આપત્તિ વ્યક્ત કરીને કહ્યું, એક ખેડૂતની માતાને 100 રૂપિયામાં ઉપલબ્ધ હોવાનો આરોપ અપમાનજનક છે. આ ખેડૂતોનું અપમાન છે. તેણે બિનશરતી માફી માંગવી જોઈએ.

કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 10મો દિવસ છે.