નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્કે મોદી સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જેને લઈને કેટલાક અર્થશાસ્ત્રી અને વિપક્ષ પાર્ટીઓ સવાલ ઉઠાવી રહી છે. જેના પર નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે કૉંગ્રેસ દ્વારા આરબીઆઈના નિર્ણય પર સવાલો ઉઠાવવું દુર્ભાગ્યપૂર્ણ છે. સાથે નિર્મળા સીતારમણે આરબીઆઈના આ પૈસાનો ઉપયોગ સરકાર શેમાં કરશે, તેના પર કંઇપણ કહેવાનો સીતારમણે ઇનકાર કર્યો છે.


નિર્મળા સીતારમણે કહ્યું કે આરબીઆઇના પૈસાના ઉપયોગ પર હાલ કશું જણાવી નહીં શકું. એમણે કહ્યું કે પૈસાના ઉપયોગ પર હાલ નિર્ણય કરવામાં આવ્યો નથી. જ્યારે નિર્ણય લેવામાં આવશે ત્યારે જણાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું આ સમિતી (બિમલ જાલાન કમિટી) આરબીઆઈ દ્વારા બનાવાઈ હતી. તેઓએ એક ફોર્મૂલા આપ્યો હતો જેના આધાર આ રકમ આપવામાં આવી છે. હવે આરબીઆઈની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવું મારી સમજ બહાર છે.


રાહુલ ગાંધી પર પલટવાર કરતા નિર્મળા સીતારમણે કહ્યું કે રાહુલ ગાંધી જ્યારે પણ ચોર, ચોરી જેવી વસ્તુઓ બોલે છે, ત્યારે મારા દિમાગમાં એક જ વાત આવે છે, તેઓએ ચોર, ચોર, ચોરીને લઈને પૂરી કોશિશ કરી, પરંતુ જનતાએ તેમને જવાબ આપી દીધો છે, ફરી તે જ શબ્દોનો ઉપયોગ કરવાનો શું મતલબ ?

RBI સરકારને સરપ્લસ ફંડથી 1.76 લાખ કરોડ રૂપિયા આપશે