Pakistan:  પાકિસ્તાનમાં એક બાદ એક આતંકવાદીની હત્યા થઇ રહી છે.  તાજેતરનો મામલો કરાચીનો છે, જ્યાં રવિવારે અજાણ્યા હુમલાખોરોએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મૌલાના રહીમુલ્લાહ તારિકની ગોળી મારીને હત્યા કરી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તે ભારત વિરોધી રેલીમાં ભાગ લેવા જઈ રહ્યો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી.તારિક જૈશ ચીફ મસૂદ અઝહરનો નજીકનો હોવાનું કહેવાય છે.


જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, તારિક પાકિસ્તાનના પ્રખ્યાત મૌલાના હતા, જેમને સાંભળવા માટે હજારો લોકો એકઠા થતા હતા. પરંતુ, તેમના પર ધર્મની આડમાં આતંકવાદીઓની સેના તૈયાર કરવાના ગંભીર આરોપો હતા. સ્થાનિક મીડિયાએ પોલીસ અધિકારીઓને ટાંકીને કહ્યું કે આ ઘટના ટાર્ગેટ કિલિંગ હોઈ શકે છે. અહેવાલ મુજબ, મૌલાના કરાચીના ઓરંગી ટાઉનમાં આયોજિત એક મીટિંગમાં ભાગ લેવા જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમને પર ફાયરિંગ કર્યું હતું.


પોલીસ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે


પોલીસનું કહેવું છે કે હુમલાખોરોને શોધી કાઢવામાં આવી રહ્યા છે. સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી પોલીસને કંઈ મળ્યું નથી. તમને જણાવી દઈએ કે તાજેતરના દિવસોમાં પાકિસ્તાનમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. તાજેતરમાં જ ખૈબર પખ્તુનખ્વામાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીને ઠાર કરવામાં આવ્યો હતો. અકરમની હત્યા આઈએસઆઈ તેમજ લશ્કર ચીફ હાફિઝ સઈદ માટે મોટો ફટકો હોવાનું કહેવાય છે.


પાકિસ્તાનમાં સતત આતંકવાદીઓની હત્યાનો સિલસિલો


  પાકિસ્તાનમાં સતત થઈ રહેલી આતંકવાદીઓની  હત્યાઓને કારણે આતંકવાદીઓ ગભરાટમાં હોવા જોઈએ. નોંધનીય છે કે ગયા મહિને ભારતના અન્ય એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફનું પાકિસ્તાનમાં મોત થયું હતું. લતીફની સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. લતીફ 2016માં પઠાણ કોટ એરફોર્સ સ્ટેશન પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.