રાજસ્થાનમાં મુખ્યમંત્રીને લઇને હજુ પણ મંથન ચાલી રહ્યું છે. હાલ ગજેંદ્રસિંહ શેખાવત મુખ્યમંત્રીની રેસમાં આગળ છે.ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ રાજસ્થાનના મુખ્યપ્રધાનનું નામ નક્કી કરવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત ત્રણ સભ્યોની નિરીક્ષણ ટીમની નિમણૂક કરી છે.
આ ટીમમાં બાકીના બે નામોમાં રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સરોજ પાંડેનો સમાવેશ થયો છે. આ નિરીક્ષકો આવતીકાલે શનિવાર સુધીમાં રાજસ્થાન પહોંચી જશે તેવા અહેવાલ છે. આ પછી રવિવારે ધારાસભ્યોની બેઠક થશે. આ બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર મતદાન થશે. નિરીક્ષકો અહીંથી રિપોર્ટ લઈને દિલ્હી જશે. ત્યાં સંસદીય બોર્ડની બેઠકમાં મુખ્યમંત્રીના નામને ફાઈનલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદારોમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને અર્જુન લાલ મેઘવાલ ઉપરાંત રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી અને બાબા બાલક નાથના નામની ચર્ચા થઈ રહી છે.
CMને લઈને સસ્પેન્સ વચ્ચે BJPએ છત્તીસગઢ, MP અને રાજસ્થાન માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી
ભારતીય જનતા પાર્ટીએ આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે વિધાનસભ્ય પક્ષની બેઠકોનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરી છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સાંસદ સરોજ પાંડે અને પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે રાજસ્થાનમાં નિરીક્ષક તરીકે રહેશે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર, બીજેપી અન્ય પછાત વર્ગ મોરચાના વડા કે લક્ષ્મણ અને રાષ્ટ્રીય સચિવ આશા લાકરા મધ્ય પ્રદેશમાં નિરીક્ષક હશે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા, કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ અને પાર્ટીના મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમ છત્તીસગઢમાં નિરીક્ષક તરીકે રહેશે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપે જીત મેળવી છે. આ જીત બાદ ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીને લઈ સસ્પેન્સ હજુ યથાવત છે. ત્યારે નવા મુખ્યમંત્રીની નિમણૂક કરવા અને ધારાસભ્યોને સાંભળવા માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.
રાજસ્થાન
રાજસ્થાનમાં ઝાલરાપાટન બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીતનાર મુખ્યમંત્રી વસુંધરા રાજે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન મેઘવાલ, બાબા બાલકનાથ અને દિયા કુમારીના નામની અટકળો ચાલી રહી છે. વસુંધરા રાજે આ પહેલા પણ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
મધ્યપ્રદેશ
મુખ્યમંત્રી ચહેરા અંગે શિવરાજ સિંહ ચૌહાણ કહે છે કે પાર્ટી અમને જે પણ જવાબદારી આપે છે અમે તેને પૂરી કરીએ છીએ. એબીપી ન્યૂઝ સાથે વાત કરતી વખતે, તેમણે કહ્યું, "હું માનું છું કે જે પોતાના વિશે વિચારે છે તે સારો કાર્યકર નથી. એક કાર્યકર તરીકે અમને જે પણ કામ આપવામાં આવે છે... કાર્પેટ બિછાવવાથી લઈને સફાઈ અને સરકાર ચલાવવા સુધી, અમે તે કરીએ છીએ અને કરીશું.મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી બનવા માટે અનેક નામો સામે આવ્યા છે.
છત્તીસગઢ
છત્તીસગઢમાં પણ મુખ્યમંત્રી પદને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. જેને લઈ તાજેતરમાં પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ અરુણ સાઓ, પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ અને રાજ્ય માટે પાર્ટીના સહ-પ્રભારી નીતિન નબીને બેઠક યોજી હતી. છત્તીસગઢમાં પણ મુખ્યમંત્રી બનવા માટે અનેક નામોની અટકળો ચાલી રહી છે.