E-Challan: રાજ્યના કાયદા વિભાગ દ્વારા ઇ-ટ્રાફિકની કામગીરીના ભારણને ઓછું કરવા માટે રાજ્યમાં 20 નવી ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  હાલ ફક્ત અમદાવાદ શહેરમાં આવેલી કોર્ટ મારફતે સમગ્ર રાજ્યના ઇ-ટ્રાફિક કોર્ટની ટ્રાયલ ચાલતી હતી તેના પર સુનાવણી અને કાર્યવાહી હાથ ધરાતી હતી.  હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 20  સ્થળોએ આ ઇ-ટ્રાફિક કોર્ટ કાર્યરત બનતા ઇ-ચલણ સંદર્ભેની કામગીરી સરળ બનશે.  ઇ-ચલણને લગતા કોર્ટની સુનવણી જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કરવામાં આવશે.આ કોર્ટમાં ઇ- ચલણ સ્વીકારવામાં પણ આવશે.  વર્ચ્યુઅલ કોર્ટની મદદથી ઘરે બેઠા કોર્ટની હિયરિંગમાં હાજર રહી શકાશે. ઉપરાંત જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટમાં ઇ-ચલાણ સ્વીકારવામાં આવશે.


ઇ-કોર્ટની મદદથી કેસોના ત્વરિત નિકાલ આવશે


રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરુ થયા બાદ અરજદારોને પોલીસ સ્ટેશન સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળી જશે. ગુજરાતમાં પોલીસ આરટીઓના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટનું સંકલન થયુ છે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ ઈ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ સમગ્ર રાજ્યમાં શરુ કરવામાં આવશે.




ઈ-ચલણનું પેમેન્ટ ગેટવેથી ઓનલાઈન ભરી શકાશે


રાજ્યમાં હવે અમદાવાદ બાદ અન્ય 20 સ્થળોએ ઈ-ટ્રાફિક કોર્ટ શરુ કરવાનો ગુજરાત હાઈકોર્ટે નિર્ણય કર્યો છે. આ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 20 ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજેસ્ટ્રેટને નોટિફાઈ કરાયા છે. રાજ્યમાં હવે નવસારી, પંચમહાલ, ભાવનગર, દાહોદ, પોરબંદર, તાપી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને જૂનાગઢમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરુ કરવામાં આવશે. અરજદારોએ આ ઈ-કોર્ટમાં ચલણનું પેમેન્ટ ઈ પેમેન્ટ ગેટવેથી ઓનલાઈન ભરી શકાશે. જેમા ક્રેડિટ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ તેમજ નેટ બેકિંગ દ્વારા ઓનલાઈન સરળતાથી દંડ ભરી શકાશે. આ સુવિધા બાદ અરજદારોને ટ્રાફિકનો દંડ ભરવા માટે હવે કોર્ટની લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં.


વાહનના માલિકને મોબાઈલ પર એસએમએસ આવશે


વાહનચાલકો ઈ-ચલણના દંડની રકમ 90 દિવસમાં નહીં ભરે તો બાદમાં આપમેળે ઈ-ચલણ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વરમાં મોકલી દેવામાં આવે છે અને ટ્રાફિક કેસોમાં વાહનના માલિકને નોટિસ તેમજ મોબાઈલ પર એસએમએસ દ્વારા દંડની જાણ કરવામાં આવે છે. આ સાથે દંડ ભરવાની લિંક પણ હોય છે. જો વાહનચાલકને દંડની રકમ સામે વાંધો હશે તો કેસ લડવા માટે જે-તે શહેરની અદાલતમાં તે કેસ મોકલી અપાશે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial