ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અત્યાર સુધી ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી 30 જિલ્લામાં કોરોના વાયરસ પ્રવેશી ચૂક્યો છે. રાજ્યના 30 જિલ્લામાં  કોરોના પોઝિટિવના કેસ નોંધાયેલા હતાં. રાજ્યના ત્રણ જિલ્લાઓ હજુ સુધી કોરોના મુક્ત રહ્યા છે. આ જિલ્લામાં અમરેલી, દેવભૂમિ દ્ધારકા, જૂનાગઢનો સમાવેશ થાય છે.

અત્યાર સુધી કોરોના મુક્ત રહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કોરોનાનો એક કેસ નોંધાયો હતો. થાન ખાતે રહેતા ૬૧ વર્ષના વ્યક્તિનો  કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની આવી છે. જિલ્લામાં પ્રથમ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

ગુજરાતના ત્રણ જિલ્લા અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢમાં કોરોનાનો હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી. નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરોનાનો કુલ આંક  2624 પર પહોંચ્યો હતો.