ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટીવ કેસની સંખ્યામાં 54નો વધારો નોંધાયો હતો. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું  હતું  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં 54નો વધારો થયો છે.  આ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 432 પર પહોંચ્યો છે.


તેમણે કહ્યું કે છેલ્લા દિવસોમાં ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર આઠ ટકાથી ઘટીને 4.40 ટકાએ પહોચી ગયો છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં કોરોનાના ટેસ્ટિંગની તુલનામાં કોરોનાના કેસ સામે  આવવી સંખ્યામાં પણ ઘટાડો થયો છે. પોઝિટીવ કેસનું પ્રમાણ પાંચ ટકાએ પહોંચ્યું છે.

જયંતિ રવિએ કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના  એક પણ દર્દીનું મોત થયું નથી. અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 8332 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 432 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં 31, વડોદરામાં 18, આણંદમાં 3, સુરત અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે.