ગાંધીનગર: ગુજરાતમાં 6 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 6 અંડર સેક્રેટરીને આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક અપાઈ છે. કુમારી કંચનની વિરમગામના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે.  નાતિશા માથુરની અંકલેશ્વરના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. યુવરાજ સિદ્ધાર્થની પાલીતાણાના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. જયંત કિશોર માંકલેની હિંમતનગરના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. કુમારી દેવાહુતીની ગોંડલના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે યોગેશ શિવકુમાર કપાશેની ડભોઇના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમણૂક કરાઈ છે. 


થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા દાહોદ પોલીસનો સપાટો


31 ડીસેમ્બરને પગલે દાહોદ પોલીસ દ્વારા જિલ્લામાં દારૂને લઈને મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. દાહોદ પોલીસે એક જ દિવસમાં 40 જગ્યાએ રેડ પાડી હતી. પોલીસે દાહોદ ટાઉન A ડીવીઝન, B ડીવીઝન, દાહોદ ગ્રામ્ય વિસ્તાર, દેવગઢબારીયા, ગરબાડા, ઝાલોદ જેવા અલગ અલગ વિસ્તારમાં રેડ કરી હતી.  પોલીસે 40 અલગ અલગ જગ્યાએ રેડ કરતા 26 આરોપીને ઝડપી પાડયા હતા.


31 ડિસેમ્બને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસવડા દ્વારા દાહોદને અડીને આવેલા મધ્ય પ્રદેશની ખંગેલા અને રાજસ્થાનની ઘાવડીયા ચેકપોસ્ટો ઉપર ચાંપતો બંદોબસ્ત અને ચેકીંગ ગોઠવી દેવાયું છે ત્યાંથી નીકળતી દરેક ગાડીઓનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આજે દાહોદ જિલ્લા પોલીસવડાની સૂચનાથી દાહોદ  ASP જગદીશ બાંગારવા સાથે દાહોદ જિલ્લાની તમામ પોલીસ ટીમે આજે દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં 40 જગ્યાએ મેગા રેડ કરી હતી અને 35 ભઠ્ઠીઓનો નાશ કર્યો હતો અને હજારો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


દેવગઢબારિયા, ઝાલોદ અને દાહોદ જેવા શહેરોમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસો અને ખોટી ગતિવિધિઓ અટકાવી શકાય તે માટે દરેક એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ ઉપર બેરિકેટિંગ કરી અને ચેકીંગ કરવામાં આવશે જેથી દરેક નાગરિકોને દાહોદ જિલ્લા પોલીસવડા દ્વારા વિનંતી કરવામાં આવી છે કે નવા વર્ષની ઉજવણી શાંતિથી અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે.


સામુહિક આત્મહત્યાનો પ્રયાસ 





કપડવંજમાં એક પરિવારે અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવતા અરેરાટી મચી ગઈ છે. લાડવેલ પાસે પસાર થતી નર્મદા નહેરમાં આ પરિવારે ઝંપલાવ્યું હોવાની માહિતી મળી છે. પતિ પત્ની અને બે બાળકોએ એક સાથે નહેરમાં કેમ ઝંપલાવ્યું તેની માહિતી મળી નથી. સ્થાનિક લોકોએ પુરુષને દોરડા નાખી બચાવી લીધો હતો. જો કે, હાલ આ પુરુષ ક્યાં છે તેની માહિતી મળેલ નથી. તો બીજી તરફ મહિલા તેમજ બે બાળકો નહેરમાં ગરકાવ થયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં તમામ લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે.