ગાંધીનગર: દહેગાના વાસણા સોગઠી ગામના લોકો માટે શુક્રવારનો દિવસ ગોજારો હતો. લોકો આ દિવસે કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. મેશ્વો નદીના પટમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ ચાલતી હતી. ત્યારે ગામના મોટાભાગના યુવાનો ત્યાં વિસર્જન માટે ગયેલા હતા અને અચાનક એક યુવક નદીમાં ન્હાવા પડ્યો તે ડૂબવા લાગ્યો. તેને ડૂબતો જોઈ મોટા ભાઈ પણ નદીમાં છલાંગ લગાવી હતી. ડૂબતા યુવકને બચાવવા એક બાદ એક 8 લોકો નદીના વહેણમાં તણાઈ ગયા હતા. એક સાથે 8 યુવકોના મોત થતા ગામમાં હાહાકાર મચી ગયો હતો. ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. તરવૈયાઓની મદદથી તમામ 8 યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ રાત્રે તમામ મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા. આજે શનિવારે આ તમામ 8 યુવકોની અંતિમયાત્રા નિકળી હતી. એક સાથે 8 યુવકોની અંતિમયાત્રા નિકળતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પરિવારના આક્રંદ સાથે તમામ યુવકોની અંતિમયાત્રા નીકળી હતી. ગામથી દૂર એકસાથે 8 ચિત્તાઓ તૈયાર કરવામાં આવી હતી. કરુણાંતિકા બાદ સમગ્ર દહેગામ પંથકમાં હાહાકાર મચી ગયો છે. તમામ પરિવારો હૈયાફાટ રુદન કરી રહ્યા છે. અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
શુક્રવાર સાંજથી વાસણા સોગઠી ગામ શોકમગ્ન બની ગયું છે. શનિવારે આખા ગામમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. દરેક પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે. આખા ગામમાં કોણ કોના આંસુ લૂછે તેવી સ્થિતિ ઊભી થઈ છે.તમામ મૃતકો માત્ર 17 વર્ષથી લઈ 30 વર્ષના હતા.
વાસણા સોગઠી ગામ પાસેની મેશ્વો નદીમાં નાહ્વા પડેલા 10 યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી 8 લોકોના મોત થયા હતા. જ્યારે 2 લોકોના જીવ બચી ગયા હતા. આજે દહેગામના વાસણા સોગઠી ગામમાં એક સાથે 8 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી. એક સાથે 8 લોકોની અર્થી ઉઠતા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
વાસણા સોગઠી ગામમાં મૃતકોના પરિવારનો આક્રંદ જોવા મળ્યો હતો. આ યુવકોની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મૃતકોની અંતિમક્રિયા સંપન્ન કરવામાં આવી છે. તમામ પરિવારો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે.
વાસણા સોગઠી ગામના અનેક પરિવારો માટે આ દિવસ ગોજારો સાબિત થયો. નદીના પ્રવાહમાં 10 લોકો ડૂબ્યા હતા. જ્યારે તેમાંથી 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વાસણા સોગઠી ગામના એક પરિવારે એકસાથે બે-બે દિકરાઓ ગુમાવ્યા છે. એક પરિવારના 15 અને 18 વર્ષની ઉંમરના બે દિકરાઓના મોત થતા સ્વજનો શોકમાં છે.