રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાલી મંડળની આજે બપોરે 12 વાગ્યે સ્વર્ણિમ સંકુલમાં બેઠક છે. હાઈકોર્ટના હુકમ બાદ શાળાઓની ફીમાં કેટલો ઘટાડો કરવો તે બાબતે આ બેઠકમાં મહત્વની ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે. ચુડાસમા સાથે બેઠક બાદ વાલી મંડળના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ મલી શકે છે.
ગુજરાતની ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા દોઢ કરોડ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત આપવા મુદ્દે હાઈકોર્ટે નિર્દેશ કર્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ શકતી નથી. તેના કારણે વાલીઓમાં નિરાશા છે. વિધાનસભા ગૃહમાં આ અંગે ચર્ચા થવાની હતી, પરંતુ સરકારે સમયાવધિ પૂરી થયાનું કહીને ચર્ચા નહોતી કરી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુરુવારે સાંજે નિવેદન જારી કર્યું છે કે, ખાનગી સ્કૂલોમાં ફીમાં ઘટાડો કરવાની બાબતનો ટૂંકી મુદ્દતનો પ્રશ્ન ગૃહમાં નિયમાનુસારની પ્રશ્નકાળની સમાયાવધિ પૂરી થઇ જતા અધ્યક્ષશ્રીની સૂચના મુજબ ચર્ચામાં લઇ શકાયો નથી.