ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ વધતાં જડબેસલાક લોકડાઉન લદાશે એવા ફેક ન્યુઝ વોટ્સએપ પર ફરતા કરાયા, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Sep 2020 12:13 PM (IST)
કેટલાંક લોકોએ ગાંધીનગરમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાશે એ પ્રકારના મેસેજ વોટ્સએપ પર વાયરલ કરી દીધા હતા.
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતાં લોકડાઉન લદાઈ શકે છે એવા મેસેજ વોટ્સએપ પર બુધવારે ફરતા થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ગુજરાત સરકારે પહેલાં જ સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં હવે પછી ક્યાંય લોકડાઉન લાદવાનો સવાલ જ નથી છતાં કેટલાંક લોકોએ ગાંધીનગરમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાશે એ પ્રકારના મેસેજ વોટ્સએપ પર વાયરલ કરી દીધા હતા. આ મેસેજમાં એક જાણીતી ગુજરાતી ટીવી ચેનલનો લોગો પણ મૂકાયો હતો કે જેથી આ સમાચાર વિશ્વસનિય લાગે. આ મેસેજમાં બ્રેકિંગ ન્યુઝ દર્શાવીને દાવો કરાયો હતો કે, ગાંધીનગર આવતી કાલથી સંપૂર્ણપણે કરાઈ શકે છે બંધ, કોરોનાનું સંક્રમણ વધતાં લેવાઈ શકે છે નિર્ણય, જડબેસલાક લોકડાઉનનો આવતી કાલથી કરાઈ શકે છે અમલ, મોડી સાંજ સુધીમાં બહાર પડી શકે છે જાહેરનામું. આ સમાચાર વાંચ્યા પછી કેટલાક જાગૃત નાગરિકોએ આ સમાચાર તદ્દન ખોટા અને આધારહીન હોવાની કોમેન્ટ પણ કરી હતી. આ પ્રકારના તદ્દન ખોટા અને આધારહીન સમાચોરા ફેલાવનારાં પરિબળો સામે કાનૂની પગલાં લેવાની માગ પણ ઘણાં લોકોએ કરી છે.