ગાંધીનગર નજીક અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક 20 સપ્ટેમ્બરે બનેલા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. ગાંધીનગર જિલ્લાની નર્મદા કેનાલ પાસે લૂંટ અને હત્યા કર્યાના 30 કલાકમાં જ પોલીસની ગોળીથી આરોપી ઠાર મરાયો હતો. હત્યાના ગુનાના રિ-કન્સ્ટ્રક્શન સમયે PSIની રિવોલ્વર છીનવી ફાયરિંગ કરતા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ વાળાને હાથમાં ઈજા હતી. ફાયરિંગ કરી ભાગી રહેલા સાયકો કિલર વિપુલ સામે બે પોલીસ ઈન્સ્પેક્ટરે સ્વબચાવમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
15 ગુનાનો આરોપી એવો સાયકો કિલર વિપુલ 2011માં પકડાયા બાદ જામીન પર છૂટી અગિયાર મહિનામાં જ હત્યા અને લૂંટ કરી હતી. બર્થ ડે બોયની હત્યા બાદ વાયા દહેગામ થઈ રાજકોટ તરફ ભાગી રહેલા આરોપીને ચોટીલા નજીક માંડા ડુંગર પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે કેનાલ વિસ્તારને કોર્ડન કરી રાખી પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. 23 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. ત્યારબાદ 24 સપ્ટેમ્બર પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને ઘટના સ્થળ લઈ જવાયો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસની બંદૂક છીનવીને પોલીસ પર જ ફાયરિંગ કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં આરોપી વિપુલ પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
સાયકો કિલરનું એન્કાઉન્ટર થયાના સમાચાર મળતા જ તેનો શિકાર બનેલા વૈભવ મનવાણીના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. હત્યારા વિરુદ્ધ પોલીસની કાર્યવાહી પર વૈભવના પરિવારજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક-યુવતી 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે 1.15 વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠાં હતાં. ત્યારે લૂંટના ઇરાદે આવેલા શખ્સે બંન્નેને ધમકાવ્યા હતા. વૈભવ નામના યુવાને પ્રતિકાર કરતાં લૂંટારાએ છરીના ઘા મારી હત્યા કરી હતી. ત્યાર બાદ 23 સપ્ટેમ્બરે આરોપી વિપુલ પરમારને રાજકોટના માંડા ડુંગર પાસેથી ઝડપી લેવાયો હતો.આ એન્કાઉન્ટર થતાં જ ઘટનાસ્થળે પોલીસનો કાફલો પહોંચ્યો હતો. કેનાલની અંદર તરફ જવાના બંને તરફના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.