અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ ખાલી પડેલી બેઠકોની ચૂંટણી આગામી બે મહિનામાં યોજાશે એવી અટકળો તેજ બનતાં રાજકીય ગરમીનો માહોલ છે. આ બધાની વચ્ચે આજે અબડાસા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભાજપમાંથી ટિકિટ પાક્કી હોવાનો દાવો કર્યો છે. તેમણે ભાજપની ટિકીટ નક્કી કરી ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હોવાનો દાવો કર્યો છે.


પ્રદ્યુમનસિંહે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારે પહેલેથી જ નક્કી હતું, મારે કોઈ બીજો મતલબ જ નહોતો. હું ધારાસભ્ય છું અને મને ટિકીટ મળે ને ધારાસભ્ય થાઉં તો રજૂઆત કરી શકું. લોકોના પ્રશ્નો સોલ્વ કરી શકું. એટલા માટે ટિકીટનું મારું નક્કી જ કરેલું છે અને ટિકીટ મને 100 ટકા આપશે, એવો મને વિશ્વાસ છે. આજથી પહેલા પણ જેમણે રાજીનામા આપ્યા છે, જેણે વાત કરી છે, એમને કોઈને ટિકીટ ન આપી હોય તેવું અત્યાર સુધીમાં થયું નથી.

રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી યોજવા માટે અલગ અલગ એક્શન પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. હાલમાં સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાય એ ગણતરીએ તમામ તૈયારીઓ ચાલી રહી છે. આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન પણ માંગવામાં આવ્યું છે તેના કારણે ગુજરાતમાં ચૂંટમી આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.