ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીનગરના ચ - 6 સર્કલ પાસે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમા એક યુવાનનું મોત થયું છે જ્યારે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. બાઈક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત બીજા યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.


અમદાવાદમાં મોર્નિંગ વોકમાં નિકળેલા રાહદારીને બોલેરોએ ઉડાવ્યાં
અમદાવાદ શહેરમાં શુક્રવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં શૈલેષ પ્રજાપતિ નામના વ્યક્તિનું મોત થયું હતું. વસ્ત્રાલ વિસ્તારમાં શુક્રવારના રોજ થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. સવારે 6 કલાકે મોર્નિંગ વોક કરવા નીકળેલા રાહદારીને બોલેરોના ડ્રાઇવરે અડફેટે લીધા હતા. ગેલેક્ષી કોરલ સોસાયટીમાં રહેતા શૈલેષ પ્રજાપતિ નામના રાહદારીનું તેમા મોત થયું હતું. આ અકસ્માતમાં બોલેરો પિકઅપ વાનના ચાલકની બેદરકારી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મુખ્ય માર્ગ ઉપર પુરપાટ ગતિએ આવતી બોલેરોએ રાહદારીને ટક્કર મારી દીધી હતી.


30 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ
મહેસાણા SOG પોલીસને મોટી સફળતા મળી છે. મહેસાણા જિલ્લાના વડું મથક ઊંઝા શહેરમાંથી પોલીસે 30 લાખના  MD ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનોની ધરપકડ કરી છે. ભૂરારામ ગોદારા અને અન્ય એક સગીર વયનો બાળક સાથે મળી  ઊંઝા શહેરમાં MD ડ્રગ્સઉ વેચાણ કરતા હતા. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવી મહેસાણા અને પાટણ જિલ્લામાં સપ્લાય  કરતાં હતા. 


ઊંઝામાં ચાલતા ડ્રગ્સના વેચાણ અંગે મહેસાણા SOG પોલીસને  બાતમી મળી હતી. બાતમીને આધારે પોલીસે ઊંઝાની બંધ  ફેકટરીમાં રેડ કરી એક રૂમમાંથી 30 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને  ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસ સામે આવ્યું છે કે રાજસ્થાન સતારામ અને ખેતરામ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો વેચવા આપેલ અને સાથે આ યુવાનોને ચાર મોબાઈલ પણ આપેલ. મોબાઈલ પર ડ્રગ વેચવાની સૂચના મળ્યા બાદ આ બંને યુવાન ડ્રગ્સનો જથ્થો ડિલિવર કરવા જતા હતા.પોલીસે ચાર મોબાઈલ સાથે  30 લાખનો ડ્રગ્સનો જથ્થો અને  બે આરોપીની ધરપકડ કરી છે ત્યારે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ આવ્યું કેવી રીતે?