પાટણમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, હું રાધનપુર ધારાસભ્ય પદેથી કોઈપણ ભોગે રાજીનામુ આપવાનો નથી. મને જનતાએ જીત અપાવી છે. કોંગ્રેસમાં પાર્ટી વિરુદ્ધ કાર્ય કરેલ ઘણા નેતાઓ આજે પાર્ટીમાં છે.
તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે ચૂંટણી પહેલા કેમ કાર્યવાહી ના કરી. આ વાવજોડા પહેલાની શાંતિ છે. જો પાર્ટી દ્વારા કોઈ ખોટા પગલાં ભરવામાં આવશે, તો પરિણામ ભોગવવા તૈયાર રહે. અલ્પેશ ઠાકોરના સમર્થનમાં કોણ કોણ નેતાઓ છે તે પત્તા પણ સમય આવ્યે ખોલવામાં આવશે, તેમ અલ્પેશે કહ્યું હતું.
અગાઉ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે 10 એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલી આપ્યું હતું. ત્યારબાદ બનાસકાંઠાના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી કાર્ય કરતાં કોંગ્રેસે તેની સામે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી પણ હટાવ્યો હતો.