ગાંધીનગર:  કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન પર ટી-સ્ટોલનું લોકાર્પણ કર્યું  હતું.  મહિલા સ્વ સહાય જૂથનું રેલવે સ્ટેશન પર  ટી-સ્ટોલ છે.  મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.


અમિત શાહે અને મુખ્યમંત્રી ભુપેંદ્રભાઈ પટેલે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર  ચા પીધી હતી.  ટી-સ્ટોલનું સંચાલન કરનારી મહિલાઓ સાથે અમિત શાહે સંવાદ કર્યો હતો.  પ્લાસ્ટીક નહીં પરંતુ માટીના વાસણોથી રોજગારી વધારવા માટે સૂચન કર્યું હતું.  માટીથી ચાલતા ગૃહઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 



કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરતા લખ્યું, ‘થોડા સમય પહેલા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુંભાર મહિલાઓને મફત ઇલેક્ટ્રિક ચાકનું વિતરણ કર્યું હતું, આજે એજ દિશામાં માટીના વાસણો બનાવતી મહિલા સ્વનિર્ભર જૂથના આર્થિક ઉત્થાન માટે ગાંધીનગર રેલવે સ્ટેશન પર તેમના ‘ચા’ ના સ્ટોલનું લોકાર્પણ કર્યું અને તેમની સાથે ચર્ચા પણ કરી.’


અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું,  ‘મહિલા SHG દ્વારા ગાંધીનગર રેલવે સ્ટેશન પર આપવામાં  આવતી કુલડીની ચા થી માત્ર પર્યાવરણને જ લાભ થશે એવુ નથી પરંતુ આ વર્ષો જૂની કલાને બળ મળશે તેમજ તેની સાથે સંકળાયેલા પરિવારોને આર્થિક સહાયતા પણ મળશે. અહીં આવતા પ્રવાસીઓને અનુરોધ છે કે આ માટીની કુલડીની ‘ચા’ નો આનંદ અવશ્ય લેશો.’


ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે શરૂ કરાયેલા ટી- સ્ટોલ ખાતે શરૂઆતના તબક્કામાં 14 જેટલી મહિલાઓને રોજગારી મળી છે. આવનારા સમયમાં વધુ મહિલાઓને રોજગારી મળશે. આ ઉપરાંત માટી કામ સાથે જોડાયેલી તમામ મહિલાઓને પણ ટૂંક સમયમાં રોજગારી આપવામાં આવશે.


રેલવે સ્ટેશનો પર ચા ડીસ્પોઝેબલ કપમાં આપવામા આવતી હોય છે. પરંતુ, ગાંધીનગર રેલવે સ્ટેશન પર શરૂ થયેલા મહિલા સંચાલિત ટી-સ્ટોલ પર માટીની કુલડીમાં જ ચાનું વિતરણ કરવાનો નિર્ણય કરાયો છે. દેશમાં રેલવે સ્ટેશન પર મહિલા સ્વસહાય જૂથ દ્વારા શરૂ કરવામા આવ્યો હોય તેવો ગાંધીનગરનો આ પ્રથમ સ્ટોલ છે. જેનું આજે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું હતું.