ગાંધીનગર: ડી સ્ટાફના ASI 60,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા ASIની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંચિયા અધિકારીની ઓળખ મુકેશસિંહ અણદુસિંહ વાઘેલા તરીકે થઈ છે. મુકેશસિંહે ફરિયાદી પાસેથી લાંચ માગી હતી. ફરિયાદી રૂપિયા દેવા માંગતો ન હોવાથી ACBને જાણ કરતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
વિગતો અનુસાર આ કામના ફરિયાદીના કાકા ઉપર માણસા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેને ગુનાના કામે હાજર કરી, માર ન મારવા અને જામીન ઉપર છોડવાના અવેજ પેટે આ આરોપી ASI મુકેશસિંહે ફરિયાદી પાસેથી 60000 રૂપિયા માગ્યા હતા. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. જેથી લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના 60,000 લેતા રંગેહાથ પકડાઈ ગયા હતા. મુકેશસિંહ ફરિયાદી પાસેથી આ રૂપિયા લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આરોપીને ACBએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાબરાના ધરાઈ ગામના ઉપસરપંચને લાંચ લેતા બોટાદ ACBએ ઝડપ્યો
બાબરાના ધરાઈ ગામમાં ફરિયાદીને ટાવર નાખવા માટે ઉપસરપંચ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. ટાવર સામે ગ્રામ પંચાયત કાર્યવાહી નહીં કરવાની શરતે 3 લાખની ઉપસરપંચ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. બોટાદ ACB દ્વારા રૂપિયા 1,20,000 ની લાંચ લેતા રંગે હાથે તેને ઝડપી લેવાયો હતો. બોટાદ એસીબીએ આરોપી ઉપસરપંચ પરેશ ઈશ્વરભાઈ કાપડિયા ઉપસરપંચની ધરપકડ કરી હતી.
આ કામના ફરીયાદી ધરાઇ ગામે આવેલી જમીનમા ઈન્ડુસ કંપનીનો ટાવર ઉભો કર્યો હતો. ટાવરનુ ભાડું ફરીયાદીના ખાતામાં જમા થતું હતું. ઈન્ડુસ કંપની ટાવરની જગ્યા ગેરકાયદેસર હોવાની ગ્રામ પંચાયત કચેરી ધરાઇ દ્વારા નોટિસ આપતાં ઈન્ડુસ કંપનીએ ફરિયાદીને ભાડુ બંધ કરવા પત્ર પાઠવ્યો હતો. જેથી ફરીયાદીએ આરોપીને રૂબરુ મળી ટાવર બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી નહી કરવા વિનંતી કરી હતી. જેથી આરોપીએ રૂ .૩,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂ. 1,20,૦૦૦- લેવા સહમત થતા ફરીયાદીએ ટોલ ફ્રી-૧૦૬૪માં ફરીયાદ કરી હતી. જે બાદ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા. આરોપીને એ.સી.બી.એ ડીટેઈન કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી.