ગાંધીનગર: ગુજરાતમાં વધુ વરસાદના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિ તેમજ હાલમાં જળાશયોમાં પાણીની પરિસ્થિતિ અંગે આજે જળસંપતિ -પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ફ્લડ કન્ટ્રોલ સેલ,ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. 


 



વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે સતત કાર્યરત


પાણી પુરવઠા મંત્રીએ કહ્યું હતું કે,રાજ્યમાં ચોમાસાના પ્રારંભમાં જ લગભગ તમામ વિસ્તારમાં શ્રીકાર વર્ષા થઇ છે.તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જુનાગઢ તેમજ કચ્છ જિલ્લામાં વધુ વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે તેવા વિસ્તારમાં જનજીવન ઝડપી ધબકતું થાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે સતત કાર્યરત છે.


પાણી પુરવઠા મંત્રીએ ફ્લડ સેલની મુલાકાત દરમિયાન સેટેલાઇટ ફોન દ્વારા  ભાવનગરમાં શેત્રુંજ્ય ડેમમાં પાણીની આવક અને જાવક વિશે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. મંત્રીએ ડેટા સેન્ટરમાં કાર્યરત વિવિધ ૧૨ જેટલા રીજીયોનલ ફ્લડ સેલની કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 


જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના સચિવ કે.એ.પટેલે રાજ્યમાં વધુ વરસાદના કારણે પૂર તેમજ વિવિધ જળાશોયોમાં પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગની તૈયારીઓ વિશે મંત્રીને માહિતગાર કર્યા હતા.આ સમીક્ષા બેઠકમાં  જળ સંપત્તિ વિભાગના ખાસ સચિવ કે.બી.રાબડીયા,મુખ્ય ઇજનેર-અધિક સચિ કાનાણી સહિત ઉચ્ચ અધિકારીઓ-ઇજનેરો ઉપસ્થિત રહ્યાં હતાં.


ગીર સોમનાથના આ ડેમના 4 દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા 18 ગામોને કરાયા એલર્ટ


ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જળાશયો છલકાયા છે. નદીઓ બે કાંઢે વહેવા લાગી છે. ગીર સોમનાથ વિસ્તારમાં બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે અનેક ડેમોમં નવા નીર આવ્યા છે. ગીર જંગલને વરસાદે ધમરોડતા રાવલ ડેમના 6 પૈકીના ચાર દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા 18 જેટલા ગામોને વહીવટી તંત્ર દ્રારા અલર્ટ કરવામાં આવ્યા છે. નીચાળવાળા ગામના લોકોને રાવલ નદીના પટમાં ન જવા સુચના અપાઈ છે. રાવલ નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે.  રાવલમાં વરસાદી પાણીની આવક થતા ઉના ગીરગઢડા તથા દીવ જીલ્લાની જનતામાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાવલ ડેમ ઉના, ગીરગઢડા તથા દીવ જીલ્લાની પીયત પાણીની જીવાદોરી છે.



Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial