Banaskantha : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કરમાવદ અને મુક્તેશ્વર તળાવ ભરવા અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ બંને તળાવ નર્મદાના પાણીથી ભરવા અંગે છેલ્લા ઘણા સમયથી જળ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. સરકાર સામે મોરચો માંડીને જળ આંદોલન કરનારા નાગરિકો માટે હવે સારા સમાચાર સામે આવ્યા છે. જળ આંદોલન સમિતિના સભ્યોએ આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. મળતી જાણકારી મુજબ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જળ આંદોલન સમિતિના સભ્યોને કરમાવદ અને મુક્તેશ્વર તળાવ નર્મદાના પાણીથી ભરવાનું આશ્વાસન આપ્યું છે. 


મુખ્યપ્રધાને 500 કરોડના કામો મંજૂર કરવાની ખાતરી આપી  
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જળ આંદોલન સમિતિના સભ્યોને કરમાવદ અને મુક્તેશ્વર તળાવ નર્મદાના પાણીથી ભરવાનું આશ્વાસન આપવાની સાથે આ કામ માટે  500 કરોડના કામો મંજૂર કરવાની ખાતરી આપી છે. ડીન્ડરોલથી મુક્તેશ્વરમાં 100 ક્યુસેક પાણી નાખવાની પાઇપ લાઈન મંજૂર કરવામાં આવી છે. 


આ સાથે જ  મોઢેરાથી દાઉં અને દાઉંથી મુક્તેશ્વર માં  વધુ 200 ક્યુસેક પાણી પાઇપ લાઈન દ્વારા પહોચાડવાની ખાતરી આપવામાં આવી છે. મુખ્યપ્રધાને કહ્યું કે ટેકનિકલ અને વહીવટી બાબતોને ધ્યાને રાખી સરકાર ટુંક સમયમાં  જાહેરાત આ અંગે જાહેરાત કરશે. 


કરમાવદ તળાવ ભરાવાથી વડગામના ગામડાઓને થશે લાભ 
કરમાવદ તળાવ 98 હેક્ટર જમીનમાં પથરાયેલું છે. ઉત્તરથી દક્ષિણ તરફ પાણીનું વહેણ જાય છે જો આ તળાવ ભરાય તો વડગામ તાલુકા ના પાણીના તળ જે 800 થી હજાર ફૂટ નીચે ગયા છે તેમને લાભ થઈ શકે. હાલમાં કેટલાક ગામોમાં સવાસો ફૂટે કાળો પથ્થર આવી જાય છે જેથી સિંચાઈનું પાણી મળતું નથી. નર્મદા મુખ્ય નહેરમાથી સિધ્ધપુર તાલુકાના ડીડરોલ ગામથી પાઈપલાઇન મુક્તેશ્વર ડેમ સુધી લાવી ત્યાંથી કરમાવદ સુધી લાવી શકાય. આ ઉપરાંત માધપુરા અને કલ્યાણાથી પાણી આપી શકાય.


વડગામમાં જળ આંદોલન 
અગાઉ સમગ્ર વડગામ તાલુકામાં આંદોલનનો મેસેજ પ્રસરતા ગામે ગામ બેનર લગાવી રાત્રી સભાઓ થવા લાગી. અલગ અલગ ગામોમાં લોક જાગૃતિ અંતર્ગત કળશ પૂજા કરી રાત્રી બેઠકોમાં ભીડ ઉમડવા લાગી. સમિતિના સભ્યોને રાત્રી સભાઓમાં બોલાવવામાં આવતા તેઓ પાણીનું મહત્વ સમજાવી રેલીમાં જોડાવવા આહવાન કર્યું હતું.મહારેલીમાં કોઈ પણ રાજકીય પક્ષો દ્રારા રાજકીય રંગ ન આપવા અપીલ કરવામાં આવી હતી અને ખેડૂત તરીકે મહારેલીમાં જોડાયા.