ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના સાંસદે રાજીનામું ધરી દેતા ભાજપમાં ભૂકંપ આવ્યો છે. ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર લખ્યો હોવાનો સ્વીકાર કર્યો છે.


મનસુખ વસાવાએ રાજીનામાના 14 કલાક પહેલા જ સોશિયલ મીડિયા પર ઇકો-સેન્સિટિવ ઝોનના કાયદાને લઈને ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે પ્રવાસ દરમિયાન તેમના વિસ્તારના સ્થાનિક આગેવાનો અને ખેડૂતોની નારાજગી હોવાની વાત લખી છે. આ ટ્વીટના 14 કલાક પછી જ તેમના પાર્ટીમાંથી રાજીનામાના સમાચાર સામે આવ્યા છે.


તેમણે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, તારીખ :-૨૬-૧૨-૨૦૨૦, ૨૭-૧૨-૨૦૨૦ તથા ૨૮-૧૨-૨૦૨૦ ના રોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા તથા નાંદોદ તાલુકાના જે ગામોમાં ઇકો સેન્સેટીવ ઝોન લાગુ છે, તેવા (૧) સમારીયા, (૨) જુનવદ, (૩) સાકવા (૪) મોટા આંબા (૫) મોટા રાયપુરા (૬) જીતનગર-બાર ફળીયા જેવા વગેરે ગામોનો પ્રવાસ કર્યો.


આ પ્રવાસ દરમ્યાન બધા જ ગામોના સ્થાનિક આગેવાનોને ઈકો સેન્સિટિવ ઝોનના કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ બધા જ ગામોના સ્થાનિક આગેવાનોની સાથે ઈકો-સેન્સિટિવ ઝોનના કાયદા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પરંતુ બઘા જ સ્થાનિક આગેવાનોની એવી માંગણી હતી કે સ્થાનિક ખેડુત ખાતેદારોની જમીનોના સર્વે નંબરમાં ૩૫૯ તથા ૧૬૧ ની (કાચી) એન્ટ્રી પાડીને ૧૩૫-ડી ની નોટિસ આપવામાં આવી છે, તેને ઝડપથી રદ કરવામાં આવે તથા તાત્કાલિક ધોરણે ઇકો સેન્સેટીવ ઝોનનો કાયદો હટાવી લેવામાં આવે. તેવી સ્થાનિક આગેવાનોની લાગણી અને માંગણી હતી.