ગાંધીનગરઃ ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માટે રાહતના સમાચાર આવ્યા છે. શિક્ષણ મંત્રીના અંગત સચિવ ડી. જી. મહેતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડી. જી. મહેતાને કોરોનાના લક્ષણો જણાતા તેઓ હોમ ક્વોરેન્ટાઇન થઈ ગયા હતા અને તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવતાં બધાએ રાહતના શ્વાસ લીધા છે.


રિપોર્ટ નેગેટિવ આવતા શિક્ષણ મંત્રીના કાર્યાલયના તમામ કર્મચારીઓને પણ રાહત થઈ છે. ગઈ કાલે ડી.જી મહેતા હોમ ક્વોરેન્ટાઇન થતાં કેટલાક મંત્રીઓના અંગત પીએ-પીએસએ પણ પોતાની ચેંબરોમાં મુલાકાતો ટાળી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 514 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 28 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 418 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 24628 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1534 પર પહોંચ્યો છે.

નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 332, સુરતમાં 71, વડોદરામાં 41, ગાંધીનગર 22, રાજકોટ 10, ભરૂચ 6, પંચમહાલ 5, અરવલ્લી 4, અમરેલી 4, મહેસાણા 3, પાટણ 3, કચ્છ 3, જામનગર 3, સુરેન્દ્રનગર 3, બનાસકાંઠા 2, સાબરકાંઠા 2, આણંદ 2, ખેડા 2, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા મોરબીમાં 1-1 કેસ જ્યારે અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા છે.