અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમ ગાર્ડનું પણ મોત થયું હતું. જ્યારે 15થી 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી.






મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.


નોંધનીય છે કે ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે દરમિયાન જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા. જગુઆર કાર ચલાવનાર કારચાલકની ઓળખ તથ્ય પટેલ તરીકે થઇ છે.


નબીરા તથ્ય પટેલને બચાવવા માટે તેના પરિવારોએ નાટક શરૂ કર્યું હતું સારવાર આપવાના બહાને તથ્યને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તથ્યનો બાપ પ્રજ્ઞેશ પટેલ અનેક કેસનો ગુનેગાર છે. તથ્યના પરિવારજનોએ રાત્રે જ નાટક કર્યા હતા. નબીરાનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી છે.


આ અકસ્માતમાં મોતને ભેટેલા મોટાભાગના લોકો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના હતા. મોટાભાગના મૃતકો પીજીમાં રહેતા હતા. વાસ્તવમાં કાર-ડમ્પરનો અકસ્માત જોવા ટોળુ એકઠુ થયું હતુ. અકસ્માત સર્જનાર જગુઆર કાર ચાલકનું નામ તથ્ય પટેલ હોવાનો ખુલાસો થયો હતો. મૃતકોની ઓળખ નિરવ – ચાંદલોડિયા, અક્ષય ચાવડા – બોટાદ, રોનક વિહલપરા – બોટાદ, ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ), કૃણાલ કોડિયા – બોટાદ, અમન કચ્છી –સુરેન્દ્રનગર, અરમાન વઢવાનિયા – સુરેન્દ્રનગર તરીકે થઇ હતી.


સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે જગુઆર કારમાં બે યુવકો અને એક યુવતી પણ હતા. જેઓને પણ ઇજા પહોચી હતી. અકસ્માત બાદ ટોળાએ જગુઆર કારને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક લોકો તેને બચાવીને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યારે કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી.