ગાંધીનગરઃ બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલાની તપાસ માટે સરકારે એસઆઇટીની રચના કરી હોવા છતાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા રદ કરવાની માંગ સાથે આંદોલન ચાલુ રાખ્યું છે. પરીક્ષાર્થીઓના સમર્થન માટે કોગ્રેસ નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણી અને બળદેવજી ઠાકોર આંદોલન સ્થળ  પર પહોંચ્યા હતા.

વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપતા કોગ્રેસ નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, અમે તમારી લડાઇમાં સાથે ઉભા છીએ. પરીક્ષા ફરીવાર યોજવામાં આવે તેવી માંગ સાથે આપણે લડીશું. તમારી લાગણીને લઇને અમે તમારી બિન રાજકીય લડાઇને લડીશું.

કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું હતું કે, સરકાર ખાલી જાહેરાતો કરે છે. વિદ્યાર્થીઓ  સાથે અન્યાય કરે છે. કોંગ્રેસ આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવા માંગતી નથી. વિદ્યાર્થીઓની લાગણી સમજીને મુખ્યમંત્રી વિદ્યાર્થીઓની વચ્ચે આવે તે જરૂરી છે.