ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની નવી પહેલ સામે આવી છે. વિપક્ષમાંથી પ્રથમવાર સભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોષીયારાને પ્રોટેમ સ્પીકર બનાવાયા છે. સામાન્ય રીતે વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે વિપક્ષના સભ્યને સ્થાન અપાય છે. 25 વર્ષમાં પહેલીવાર પ્રોટેમ સ્પીકર તરીકે વિપક્ષના સભ્ય બેઠા છે. 


આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ રાજ્યપાલ અંશુમન સિંહ, પૂર્વ મંત્રી મોહન પટેલ તથા પૂર્વ ધારાસભ્ય હેમાજી રાજપૂતના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. ચંદનના ઝાડ સાચવવા બાબતે કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડના પ્રશ્ન પર વિધાનસભાના અધ્યક્ષે ટકોર કરી હતી. 


ભગા બારડને કહ્યું, રોપાની વાવણી બાદ જાતે ધ્યાન રાખવું પડે. ધારાસભ્ય હોય તો પણ ઝાડ સાચવવું પડે. ઝાડ શું ધારાસભ્યોને પણ આપણે જ સાચવવા પડે. આજે વિધાનસભામાં સી પ્લેનનો મુદ્દો પણ ઉછળ્યો હતો. અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવા પાછળ અત્યાર સુધી 3 કરોડ 79 લાખ 75 હજાર 127 રૂપિયાનો ખર્ચ કરાયો. 31 ઓક્ટોબર 2020ના રોજ સી પ્લેન સેવા શરૂ કરાઇ છે.


વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ લેન્ડ ગ્રેબિંગ કાયદા અંગે પ્રશ્નો કર્યા હતા. ભાજપના શાસનમાં બુટલેગરો, ભુમાફિયા અને ખાણ માફિયા વધ્યા છે. ગરીબ ખેડૂતોને ન્યાય માટે 2 હજાર રૂપિયાની ફી શા માટે ભરવાની નાબૂદ કરવી જોઈએ. કલેકટરના માધ્યમથી ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરવી જોઈએ.


ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમિત ચાવડાના પ્રશ્નો અંગે જવાબ આપ્યો હતી. ફી નજીવી છે કરોડો રૂપીએ વિઘો જમીન છે. રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ફી દૂર કરવા રજુઆત આવી નથી. કોંગ્રેસના પ્રમુખને યાદ કરાવું છે કે પ્રજા કાયદો વ્યવસ્થા પ્રમાણે મત આપે છે. ભાજપને 90 ટકા બેઠકો મળી છે.


કોંગ્રેસના શાસનમાં નબળી કાયદો વ્યવસ્થાની સ્થિતિ હતી માટે આજે આ સ્થાને બેઠા છો. ગરીબ ખેડૂતો માટે કોઈ પણ રાજકીય દખલગીરી બદલ ન્યાય આપીશું. કલેકટર સુઓ મોટો કરી શકે છે.