ગાંધીનગરઃ ખેડૂતોને વીજળી મુદ્દે આજે વિધાનસભા બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ અર્ધનગ્ન થઈને આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને ચિમકી આપી હતી કે, 'બે દિવસ વીજળીના આ જ ધાંધીયા રહેશે તો હું સંપૂર્ણ નગ્ન થઈને ગૃહમાં જઈશ. પૂરતી વીજળી આપવાનો સરકારનો દાવો પોકળ સાબિત થયાનો રાજ્યભારમાં ખેડૂતોનો આક્ષેપ છે. 



વસોયાએ કહ્યું કે, સરકાર ખેડૂતોને પૂર્ણ નગ્ન કરી રહી છે, ત્યારે સરકારને ખેડૂતોના પ્રતિનિધિ તરીકે પ્રતિકાત્મક રીતે ઉપરના કપડા કાઢ્યા છે. હું તો કહું છું કે, બે દિવસ જો વીજળીના આ જ ધાંધીયા રહેશે તો વિધાનસભાના ગૃહની અંદર મીડિયા સામે કહું છું કે, પૂર્ણ નગ્ન અવસ્થામાં મર્યાદાઓ તોડીને પણ હું જવાનો છું. 


બનાસકાંઠા અને ગાંધીનગરમાં પૂરતી વીજળીની માંગ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બનાસકાંઠના દિયોદર અને લાખણીમાં ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે. પેથાપુરમાં ખેડૂતો ટ્રેક્ટર રેલીથી યુજીવીસીએલ કચેરી ખાતે વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ અર્ધનગ્ન થઈ વીજળીની માંગ સાથે વિરોધ કર્યો હતો. અપૂરતી વીજળી મળતી હોવાની ફરિયાદ લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દિલ્લી જશે. કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે રાઘવજી પટેલ બેઠક કરશે. 


નોંધનીય છે કે, ગુજરાત સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ પણ 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોને પણ ખેડૂતોને 6 કલાક વીજળી આપવાની ખાતરી આપી હતી. જોકે, જાહેરાત કર્યા બાદ પણ વીજળી મળતી નહીં હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના સભ્યોએ આજે વિધાનસભા પરિસરમાં બેસીને દેખાવો કર્યાં હતાં. વિધાનસભા પરિસરમાં વીજળી આપો, વીજળી આપોના સુત્રોચ્ચાર પણ કર્યાં હતાં. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને વિમલ ચુડાસમાએ શર્ટ કાઢીને વિરોધ કર્યો હતો.