Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચીને કોંગ્રેસના કાર્યકરોએ આજે હોબાળો મચાવ્યો હતો. ગાંધીનગરમાં આવતા દૂષિત પાણીના કારણે હાલ 88 જેટલા લોકો સારવાર હેઠળ છે. આવી પરિસ્થિત વચ્ચે આજે ગાંધીનગર મનપાના કોર્પોરેટરો ભાવનગર ક્રિકેટ રમવા પહોંચ્યા હતા. આ મુદ્દાને લઇને કોંગ્રેસે હોબાળો કર્યો હતો. કોંગ્રેસ કાર્યકરો મનપાની કચેરી પહોંચ્યા હતા અને દૂષિત પાણીથી બીમાર જનતા હોવા છતાં મનપાના કર્મચારીઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત હોવાના આક્ષેપો કરતા હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ માટલાની અંદર દૂષિત પાણી ભરીને માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યાં હતા.
ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરમાં 21 જેટલી પાણીની લાઇન લિકેજ હતી, જેના કારણે દુષિત પાણીજન્ય રોગોચાળો ગાંધીનગરમાં ફાટી નીકળ્યો છે. કોલેરા, ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દૂષિત પાણીના કારણે હાલ 88 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, આવી સ્થિતિમાં ભાવનગર ક્રિકેટ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં કોર્પોરેટર સહિતના પદાધિકારીઓ પહોચ્યા છે. આ મુદાને કોંગ્રેસના કાર્યકરોએ ઉઠાવતાં આજે મનપા કચેરીમાં પહોંચ્યા હતા અને આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.
આ સમગ્ર મામલે મનપાના કમિશનરે સ્થિતિ કાબૂમાં હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, "તમામ 21 લિકેજ દૂર કરી દેવામાં આવ્યા છે.હાલ 88 જેટલા દર્દીઓ ગાંધીનગર સિવિલમાં સારવાર લઈ રહ્યા છે, સારવાર લઈ રહેલા તમામ દર્દીઓની તબિયત સુધારા પર છે. ગઈકાલ સુધીમાં 45 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. ગઈકાલ સુધીમાં 1600 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.
તમામ સેમ્પલમાં પાણી પીવાલાયક હોવાનો ખુલાસો થયો છે. હવે સેક્ટર-24નું પાણી પણ પીવાના લાયક છે. ગાંધીનગરમાં ડહોળું આવતું નથી". કોંગ્રેસના કાર્યકરો ફેબ્રીકેટેડ પાણી લઈને આવ્યાનો મનપા કમિશ્નરે આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "ગાંધીનગરના એક પણ વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ નથી થતું.પ્રશાસન રાત-દિવસ કામગીરી કરી રહ્યું છે. લિકેજ ધ્યાનમાં આવતા 2 દિવસમાં જ રિપેર કરવામાં આવ્યા હતા. વાત જ્યાં સુધી ક્રિકેટ ટૂર્નામેન્ટથી છે તો જૂની આઠ મહાનગરપાલિકાની ક્રિકેટ ટુર્નામેન્ટ દર વર્ષે થાય છે"