Gandhinagar: ગાંધીનગરઃ આજે ગાંધીનગરમાં OBC અનામત મુદ્દે સ્વાભિમાન ધરણાં યોજાશે. OBC બચાવો સમિતિએ એક દિવસીય ધરણાનું આયોજન કર્યું છે. આ ધરણામાં કોગ્રેસના નેતાઓ જોડાશે. તે સિવાય ભાજપના ઓબીસી સમાજના મંત્રીઓ, સાંસદ સભ્યો અને ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.






આ સ્વાભિમાન ધરણાં મારફતે ચાર માંગણીઓ સરકાર સમક્ષ મુકવામાં આવી છે.  જેમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તેવી પણ માંગણી કરાઇ છે. તે સિવાય  સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત લાગુ કરવામાં આવે, રાજ્યના બજેટની 27 ટકા રકમ ઓબીસી સમાજ માટે ફાળવવામાં આવે અને સહકારી સંસ્થાઓમાં પણ અનામત મુજબ બેઠક ફાળવવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી છે.


કૉંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ આરોપ લગાવ્યો હતો કે, સરકાર OBC સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાના પ્રયાસ કરી રહી છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના અધિકારી રાજ ચાલી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી વિવિધ સ્થળોએ આવેદનપત્ર આપ્યા છે. અનેક જગ્યાએ ઓબીસી સમાજના સંમેલન યોજવામાં આવ્યા છે. સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ના કરતા હવે એક દિવસના ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના ઓબીસી સમાજના આગેવાનોને પણ ધરણામાં જોડવા માટે વિનંતી કરી છે. 


બીજી તરફ રાજ્યમાં મધ્યાહન ભોજન કર્મચારીઓઓ તેલ-કઠોળ અને પગારને લઇને પડી રહેલા મુશ્કેલીઓના કારણે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મધ્યાહન ભોજન કર્મચારીઓનો આરોપ છે કે કઠોળ અને તેલ પુરા પાડવાને લઇને ધાંધિયા થઇ રહ્યાં છે. તેઓનું કહેવુ છે કે, મધ્યાહન ભોજનમાં અત્યારે કઠોળ અને તેલ પૂરા પાડવામાં ધાંધિયા થઇ રહ્યાં છે, આને આ પ્રશ્નથી ૪૩ લાખ જેટલા બાળકોના રોજિંદા ભોજન ઉપર પણ ખરાબ અસર પડી રહી છે. મધ્યાહન ભોજન કર્મચારીઓની રજૂઆત છે કે, આ પ્રશ્નનો વહેલામાં વહેલી તકે સરકાર ઉકેલ લાવે, કેમ કે છેલ્લા ત્રણ મહિનાથી કઠોળ અને તેલનો જથ્થો મેળવવામાં ધાંધિયા થઇ રહ્યાં છે. આ ઉપરાંત મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા ૯૬ હજાર જેટલા કર્મચારીઓને વેતનને લઇને પણ મુશ્કેલીઓ નડી રહી છે, તેઓનું કહેવું છે કે, સમયસર વેતન પણ ચૂકવાતું નથી. મધ્યાહન ભોજન કર્મચારીઓનું કહેવું છે કે, કર્મચારીઓના વેતન અને કઠોળ-તેલની સમયસર વ્યવસ્થામાં કરવામાં નહીં આવે આંદોલન કરવામાં આવી શકે છે, કર્મચારીઓએ સરકારને આગામી 31 ઓગસ્ટ સુધી આ અંગે નક્કર પગલાં લેવા રજૂઆત કરી છે, જો સમસ્યાનો હલ નહીં થાય તો તેઓએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે