ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા વધતી જાય છે. રાજ્યમાં રવિવારે કોરોનાવાયરસના ચેપના નવા 230 પોઝિટિવ કેસ બહાર આવતાં રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંક 3301 પર પહોંચ્યો. રાજ્યમાં રવિવારે વધુ 18 દર્દીઓના દુઃખદ અવસાન થતાં કોરોનાનો મૃત્યુઆંક પણ વધીને 151 થઈ ગયો છે.

કોરોનાના વધતા કેસો અંગે રાજ્ય સરકાર ચિંતિત છે ત્યારે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ ઝડપથી સાજા થાય તે માટે તેમની સારવાર પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનોના 27 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર છે અને  તેમને સાજા કરવા માટે વેન્ટીલેટર પર સારવાર લઇ રહેલા દર્દીઓમાં ‘પ્રોમ’ પધ્ધતિથી સારવાર શરૂ કરવામાં આવી છે.

રાજ્યનાં આરોગ્ય વિભાગમાં અગ્ર સચિવ જંયતિ રવિએ આ માહિતી આપતાં કહ્યું કે, વૈશ્વિક સ્તરે ‘પ્રોમ’ પધ્ધતિથી સારવારથી દર્દી ઝઢપથી સાજા થતા હોવાનું જણાયું તે પછી ગુજરાતમાં પણ આ રીતે સારવાર શરૂ કરાઈ છે. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે વેન્ટિલેટર પર રહેલા દર્દીને ચત્તા એટલે કે પીઠના ભાગે સૂવડાવી રાખવામાં આવે છે. તેના બદલે હવે દર્દીઓ જાગતા હોય તે સમયે ઉંધા એટલે કે પેટ નીચે હોય એ રીતે પેટના ભાગે સૂવડાવી પ્રાયોગિક ધોરણે સારવાર કરવામાં આવી રહી છે. વિશ્વમાં અન્ય સ્થળે થયેલાં સંશોધનોમાં પેટના બાગે સૂવડાવવાથી વદારે પ્રમાણમાં ઓક્સિજન લઈ શકાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી તેથી આ પધ્ધતિથી સારવાર શરૂ કરાઈ છે.