ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 3071 પર પહોંચ્યો છે. રૂપાણી સરકારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં દુકાનો ખોલવાની મંજૂરી આપી છે ત્યારે રાજ્યના 4 મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ચાલુ રહેશે નહીં. સીએમઓના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, સરકારે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય કર્યો છે કે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટમાં 3 મે સુધી આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો ખુલશે નહીં. તેમણે કહ્યું કે, જિલ્લાના કમિશ્નર દ્વારા સ્થાનિક વેપારીઓ સાથે કરી બેઠક કરી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જિલ્લામાં ફક્ત આવશ્યક  ચીજવસ્તુઓની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે. નોંધનીય છે કે  આ ચાર શહેરો સિવાય અન્ય વિસ્તારોમાં આજથી ધંધા રોજગાર શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.


અશ્વિની કુમારે કહ્યું કે, કોરોના વાયરસના વધતા સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં ૩ મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહી. લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે.


તેમણે કહ્યુ કે, રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જીલ્લાઓમાં આજથી ધંધા વ્યવસાયો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે ત્યાં મોલ,મલ્ટી કોમ્પ્લેક્સ ,બાર્બર, હેર સલૂન,બ્યુટી પાર્લર,પાન મસાલાની દુકાનો કે ચાની દુકાનો શરૂ થઈ શકશે નહીં.