ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે 'નિસર્ગ' વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે. સંભવિત વાવાઝોડાને પગલે એનડીઆરએફની કુલ 12 ટીમો રવાના કરવામાં આવી છે. કોરોના મહામારીને પગલે પીપીઈ કીટ અને અન્ય જરુરી સાધનો સાથે ટીમો રવાના કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં 2 ટીમ રહેશે. આ સિવાય નવસારી, સુરત, ભરુચ, આણંદ, ખેડા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં એક એક ટીમ તૈનાત રહેશે. આમ, ગુજરાતમાં 10 અને કેંન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને સેલવાસામા એક એક ટીમ રહેશે.

દક્ષિણ પૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. ૧ જૂન સુધીમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને ઉત્તર દિશા તરફ આગળ વધશે. બીજી જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ અને ૩ જૂનના ગુજરાતના દરિયાકિનારે પહોંચશે. જેના પગલે આગામી ૪-૫ જૂનના ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પૂરી સંભાવના છે.



હવામાન વિભાગે ગુજરાત-મહારાષ્ટ્ર્માં 'પ્રી સાયક્લોનિક એલર્ટ' જારી કર્યું છે. દક્ષિણપૂર્વ અને તેને સંલગ્ન પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશમાં ફેરવાઇ શકે છે અને ત્યારબાદના ૨૪ કલાકમાં 'નિસર્ગ' ચક્રાવાતમાં ફેરવાય તેવી સંભાવના છે.

રવિવારે સવારે ૫-૩૦ના હવાનું હળવું દબાણ સર્જાયું હતું. આ સાયક્લોનિક સ્ટ્રોમ બીજી જૂને સવાર સુધીમાં ઉત્તર તરફ વધે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફની દિશા સાથે ત્રીજી જૂનની સવારે મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'સાયક્લોનની તીવ્રતામાં વધારો થવાનો અમારો અંદાજ છે. રાજ્ય સરકાર પૂરતી તકેદારી રાખે તે હિતાવહ છે. આ સાયક્લોનની તીવ્રતા કેટલી હશે તે અંગે હાલમાં કંઇ પણ હવે મુશ્કેલ છે. '



અમદાવાદના હવામાન વિભાગે પણ ગુજરાતના બંદરોમાં '૧ નંબરનું સિગ્નલ' લગાવવા માટે સૂચના આપેલી છે. ૪ જૂનના ગુજરાતના સમુદ્રમાં ૯૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેના પગલે માછીમારોને ૩૧ મે સુધીમાં પરત આવી જવા અને ૪ જૂન સુધીમાં દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવેલી છે.

4 અને 5 જૂનના રોજ સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.