ગાંધીનગરઃ વાયુ વાવાઝોડાની દિશા ફંટાયા બાદ ગુજરાતના દરિયાકાંઠાના લોકો અને સરકારે રાહતનો શ્વાસ લીધો છે. જોકે,  હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાશે તેથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.


આ અંગે  ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ,મહેસુલ મંત્રી કૌશિક પટેલ, મુખ્ય સચિવ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, સહિતના તમામ વિભાગોના વડા હાજર રહ્યા હતા. બેઠક બાદ મુખ્યમંત્રી રૂપાણીએ વાયુ વાવાઝોડુ ટળતા દેવી-દેવતાનો આભાર માન્યો હતો.


બેઠક બાદ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત પરથી ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે ભગવાન સોમનાથ, દ્વારકા ક્રિષ્ણ કનૈયા , હર્ષદ માતાની કૃપાથી વાવાઝોડાએ ટર્ન લીધો છે. અત્યારે રાષ્ટ્રીય હવામાન ખાતાના બુલેટિનના આધાર ઉપર એવું માનવામાં આવે છે કે જે વાવાઝોડું સીધું ત્રાટવાનું હતું એ ઓમાન તરફ ફંટાયું છે. જોકે 24 કલાક સુધી તંત્ર એલર્ટ પર છે. તમામ અસરગ્રસ્ત જિલ્લામાં તંત્ર એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે સંકટ ઉભુ થાય એ માટે તંત્ર સજ્જ છે. સાથે તેમણે લોકોને સહકાર આપવા બદલ આભાર માન્યો હતો.

રૂપાણીએ જણાવ્યું કે, વાવાઝોડાના કારણે જે ગામોમાં વીજ કનેક્શન કપાઈ ગયા છે તે પૂર્વરત થઈ રહ્યા છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં જો ભારે વરસાદ થાય તો તેના માટે પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ સિવાય આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓના પગલે સરકારના વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે.