અઢી ત્રણ વર્ષથી અટકી પડેલી પંચાયતની ચૂંટણીઓ ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. આગામી દિવસોમાં 4 હજારથી વધુ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે પંચાયતોની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ કરી દીધી છે. આજે સાંજે ચાર વાગ્યે વીડિયો કોન્ફરન્સથી તમામ કલેકટરો સાથે સમીક્ષા બેઠક કરશે. પંચાયતોમાં મતદાનની તારીખ 19 જૂન બાદની રાખવામાં આવે તેવો સૂત્રોએ દાવો કર્યો હતો.

રાજ્યની ચાર હજારથી વધુ ગ્રામ પંચાયતોની અઢીથી ત્રણ વર્ષથી અટકી પડેલી ચૂંટણીની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. ચૂંટણીનો કાર્યક્રમ આગામી એકાદ બે દિવસમાં જાહેર થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આ તરફ ચૂંટણી યોજવાની જેની જવાબદારી છે તે ચૂંટણી આયોગે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

રાજ્ય ચૂંટણી આયોગે આજે સાંજે ચાર વાગ્યે તૈયારીઓની સમીક્ષાને લઈ તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. જેમાં પંચાયતોની ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવશે. આજની સમીક્ષા બેઠક બાદ આવનારા એક- બે દિવસમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાશે.  ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્ન વગર લડાતી હોય છે એટલે કે પ્રત્યક્ષપણે આ ચૂંટણીમાં રાજકીય પક્ષોને ઉતરવાનું રહેતું નથી. પરંતુ જે પક્ષની વિચારધારાનો સરપંચ ગ્રામીણ લોકતાંત્રિક વ્યવસ્થામાં હોયે તેને વિધાનસભા, લોકસભા કે જિલ્લા- તાલુકા પંચાયતની ચૂંટણીમાં મજબૂતી મળતી હોય છે. ત્યારે પંચાયતોની ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં પણ જબરદસ્ત ઉત્સુકતા હોય છે. પંચાયતોની ચૂંટણીની મતદાનની તારીખ બે વિધાનસભાની પેટાચૂંટણી બાદ એટલે કે 19 જૂન પછીની હોઈ શકે છે તેવો સૂત્રોએ દાવો કર્યો હતો.

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ગ્રામ પંચાયતોની ચૂંટણી લંબાઈ હતી. પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.