આ ઘટનાની વિગત એવી છે કે, ભુજ તાલુકાના કોટડા ચકારથી કુકમાનો માર્ગ તૂટેલો હોવાથી આસપાસનાં ગ્રામજનો ભારે મુશ્કેલી વેઠતા હતા. આ રસ્તો રીપેર કરાવવા ગ્રામજનોએ ધારાસભ્યથી લઇ મંત્રીઓ સુધી આ મામલે રજૂઆત કરી હતી પરંતુ કોઇ નિરાકરણ આવ્યું ન હતું. રસ્તો એટલો ખરાબ થઇ ગયો હતો કે વાહનો પણ પસાર થઇ શક્તા ન હતા. પારાવાર મુશ્કેલીઓ વેઠતા ગ્રામજનોની રજૂઆત મંત્રીઓએ પણ માર્ગ અને મકાન વિભાગ ને રસ્તો સુધારવા જણાવ્યું હતું. દર્શનાબેન રાજ્ય સરકારના મંત્રીઓને પણ ઘોળીને પી ગયાં હતાં અને જો કે કાર્યપાલક ઈજનેર રસ નહોતાં બતાવતાં અને પોતાની ફરજમાં બેદરકારી દાખવી રહ્યા હતા.
આખરે કંટાળીને મંત્રીઓએ સરકારમાં આ મામલે ઇજનેર વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. રાજ્ય સરકારે મંત્રીઓની રજૂઆત બાદ તાત્કાલિક રસ્તો રીપેર કરવા સૂચના આપી હતી છતાં ઈજનેરે કશું ના કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નાયબ કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરી દીધા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આદેશ આપતા દર્શનાબેન ગોસ્વામીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે કહ્યું કે, ચોમાસા દરમિયાન જે માર્ગોને નુકશાન થયુ હતુ, તે તમામ રસ્તાઓને રીપેર કરી દેવા માટે તમામ અધિકારીઓને સૂચના આપી હતી, પરંતુ કેટલીક જગ્યાએ રસ્તા રીપેર કરવાના રહી ગયા હોય તેવુ ધ્યાનમાં આવ્યુ હતું. ભુજ તાલુકાના કોટડા ચકારથી કુકમાના માર્ગ તૂટેલો હોવાથી અનેક ગામના લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે એવી અંજારના ધારાસભ્ય અને મંત્રી વાસણભાઇ આહીર દ્વારા મૌખિક રજૂઆતો કરાતાં આ અંગેની ચકાસણી કરી આ કાર્યવાહી કરવામાં આવી છે.