ગાંધીનગરઃ હાલમાં દિલ્હીના લોકો હવા પ્રદૂષણને કારણે પરેશાન છે. નવી દિલ્હીમાં થઇ રહેલા પ્રદૂષણ પાછળ હરિયાણા અને પંજાબમાં ખેડૂતો દ્ધારા બાળવામાં આવતી પરાળીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. જોકે, હાલમાં એક એવી દવા શોધવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેના ઉપયોગથી ખેડૂતોને પરાળી બાળવામાંથી છૂટકારો મળી જશે અને હવા પ્રદૂષણમાં વધારો થતો અટકાવી શકાશે.

ગુજરાતમાં  આવેલી રાકનપુર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ તરફથી બનાવવામાં આવેલી ‘ધરતી રસ’ નામની દવાના ઉપયોગથી ખેડૂતોને પરાણી બાળવામાંથી છૂટકારો મેળવી શકાશે. રાકનપુર હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના માલિક રમેશભાઇ પટેલના મતે ધરતી રસનો ઉપયોગ કરવાથી ખેડૂતોને પરાળી બાળવામાં છૂટકારો મળી શકે છે. એટલું જ નહી તેનાથી ખેડૂતોની જમીન પણ ખૂબ ફળદ્રુપ થઇ શકે છે.

આ દવા વાપરવાને લઇને રમેશ ભાઇ કહે છે કે એક એકર ખેતરમાં ઉભી રહેલી પરાળી પર 200 લિટર પાણીમાં 25થી 30 કિલો યુરિયા નાખી તેમાં પાંચ લિટર ધરતી રસ નાખવામાં આવે. બાદમાં તે દવાને તમારા ખેતરમાં રહેલી પરાળીમાં છાંટીને ખેડી દીધા બાદ ખાતર બની જાય છે. સામાન્ય રીતે પરાળીને એમ જ ખેતરમાં છોડી દેવામાં આવે તો તેને ખાતર બનતા મહિનાઓ થઇ જાય છે જ્યારે આ દવા છાંટ્યા બાદ 15 કે 20 દિવસમાં પરાળી સડી જશે બાદમાં ખેતર ખેડવામાં પણ સરળતા રહેશે. આ દવાના અગાઉ પંજાબ અને હરિયાણાના ખેતરોમાં બે વાર પરીક્ષણ થઇ ચૂક્યા છે. અને હાલમાં  પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં પરીક્ષણ હેઠળ છે.

દવાના ફાયદા પર વાત કરતા રમેશ ભાઇ કહે છે કે દવાના ઉપયોગ કરવાથી ઘઉં અને ચોખાનો પાકમાં પણ વધારો જોવા મળ્યો છે. એટલું જ નહી પરાળી ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ આવતા ખેતરની ફળદ્રુપતા પણ વધતી જોવા મળી છે.