ગાંધીનગર: ગુજરાત રાજય સંયુક્ત કર્મચારી મહામંડળની વિવિધ 15 માંગણીઓ પૈકી કેટલીક માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારાતા આંદોલન સમેટવાનું એલાન કરવામાં આવ્યું હતું. જો કે મંડળના અન્ય હોદેદારો અને યુનિયનએ પૂર્ણ માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું એલાન કરતા રાજકારણ ગરમાયું છે.


 



ગુજરાત સરકારના કર્મચારીઓની પગાર પંચ-ભથ્થા સહિતની 15 માગણીઓ પૈકી કેટલીક માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારાતા આંદોલન સમેટાયું હોવાની વાત સામે આવી હતી. જો કે ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર અને ગ્રેડ પેનો વિષય ઉકેલાયો નથી.  જેથી સરકારના આ નિર્ણય બાદ કર્મચારી મહામંડળના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો છે અને કર્મચારી યુનિયનમાં બે ફાંટા પડી ગયા છે. 2005 પછીના કર્મચારીઓએ આ મામલે હોબાળો કર્યો છે. આ ઉપરાંત માસ સીએલ ચાલુ રાખવાની પણ જાહેરાત કરી છે.


નોંધનિય છે કે, 40 જેટલા યુનિયનના કર્મચારીઓ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સાથે આંદોલનના રસ્તે હતા. આવતીકાલે 6 લાખ જેટલા કર્મચારી માસ સીએલ પર ઉતરી જવાના હતા. જે પહેલા સરકારે કર્મચારી મંડળો સાથે બેઠક કરી આંદોલનની આગ ઠારી દીધી હોવાની વાત સામે આવી. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ કરી કહ્યું હતું કે, સરકારી કર્મચારીની 15 માંગો પર નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની પેન્શન યોજનાને લગતી અમુક માંગણીઓ બાકી છે. આવતીકાલથી 6 લાખ કર્મચારીઓ માસ સીએલ પર નહિ જાય. 




જો કે આ જાહેરાત બાદ  કર્મચારી યુનિયનમાં આંતરીક ફાંટા પડયા. યુનિયનના પ્રતિનિધિઓએ આંદોલન સમેટી લેવાનું એલાન કર્યું. તો બીજી તરફ તે જ યુનિયનના હોદેદારોએ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. .ધી ગુજરાત સચિવાલય ફેડરેશન એ માસ સીએલ પર જવાનો નિર્ણય લીધો. આ ઉપરાંત રાષ્ટ્રીય શૈક્ષણીક સંઘના હોદ્દેદારોએ રાજીનામાં પણ આપી દીધા છે.


સરકારે કઈ કઈ જાહેરાત કરી



  • કેન્દ્રના ધોરણે તા.૧/૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવાશે.

  • સી.પી.એફમાં ૧૦ ટકાને બદલે ૧૪ ટકા સરકાર દ્વારા ઉમેરાશે.

  • કેન્દ્રના કર્મચારીની જેમ ૧૦, ૨૦, ૩૦નું ઉચ્ચતર પગાર ધોરણ અપાશે

  • કર્મચારીઓને રૂ.૩૦૦ ને બદલે રૂ.૧૦૦૦ મેડિકલ ભથ્થુ અપાશે

  • મહિલા કર્મચારીઓની નોકરીનો સમયગાળો ધ્યાને લીધા સિવાય મૂળ નિમણૂક તારીખથી જ છ મહિનાની પ્રસૂતિ રજા આપવામાં આવશે

  • સરકારી કર્મચારીઓનું ચાલુ ફરજે અવસાન થાય તેવા કિસ્સામાં ઉચ્ચક નાણાકીય સહાય રૂ.૮ લાખ અપાતી હતી તે વધારીને રૂ.૧૪ લાખ કરાઈ