ગાંધીનગરઃ આજથી શો-રૂમ સંચાલકો નંબર પ્લેટ વગર વાહનોની ડિલિવરી કરી શકશે નહી. ગ્રાહકોએ પહેલા રજિસ્ટ્રેશન કરીને HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે. ત્યાર બાદ ડિલર વ્હિકલ પર નંબર પ્લેટ લગાવીને જ વાહનની ડિલિવરી કરી શકશે. હવેથી નંબર મેળવવાનું અને નંબર પ્લેટ લગાડવાનું કામ ડીલર જ કરશે. જેના કારણે હવે વાહન ચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે.


એટલુ જ નહી, જે વ્યક્તિને મનપસંદ નંબર જોઈતો હોય તો પણ ડિલર તે નંબર આવ્યા બાદ જ નંબર પ્લેટ ફિટ કરીને જ વાહન વેચી શકશે. જો નંબર પ્લેટ વિના કોઈ શોરૂમ સંચાલક વાહનની ડિલિવરી કરશે તો આરટીઓ તરફથી પહેલા 30 દિવસનું ટ્રેડ સર્ટિફિકેટ રદ કરવામાં આવશે. આ બાદ પણ તે શોરૂમ સંચાલક ગેરરીતિ આચરશે તો આરટીઓ કાયદાકીય પગલા ભરી શકે છે. હવે નંબર ફાળવણી માટેની આરટીઓની કામગીરી ઝડપી બનશે તેવો અંદાજ છે. આરટીઓ હવે દસ્તાવેજોની ચકાસણી તથા કાયદા પ્રમાણે થતી ફી અને ટેક્સ ભર્યા છે કે નહીં તે કામગીરી વધારે ક્ષમતાથી કરી શકશે.


નવા નિયમ પ્રમાણે, શોરૂમમાંથી વાહન ખરીદતા ત્યાં જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. જો નંબર પ્લેટ લાગ્યા વગરના વાહનો બહાર ફરતા જોવા મળશે તો ડીલર પર કાર્યવાહી થશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે                                        


આ ઉપરાંત 13 સપ્ટેમ્બર સુધી ખરીદેલા વાહનોની નંબરપ્લેટ માટે સંચાલકોએ આરટીઓમાં અરજી નહીં કરી હોય તો બીજા દિવસે અરજી સબમિટ કરી શકશે નહી. રાજ્યમાં અત્યાર સુધી વાહનોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ કરતા હતા. ડિલરો આરટીઓ ટેક્સ ભરી અને ઈન્સ્યોરન્સ ઉતારી માલિકોને વાહન સોંપી દેતા હતા.  ડિલરો અનુકુળ સમયે વાહન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરતા હતા. બીજી તરફ આરટીઓ નંબર પ્લેટ લગાવ્યા વિના માત્ર નંબર પ્લેટ જ માલિકોને સોંપી દેતા હતા. આથી વાહન માલિકો એપ્લાય ફોર રજીસ્ટ્રેશનનું સ્ટીકર કે લખાણ લખી નંબર પ્લેટ લગાવીને ફરતા હતા. નિયમમાં ફેરફાર થવાથી નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે, તેમજ વાહનમાલિકોને આરટીઓ કચેરી આવવામાંથી મુક્તિ મળશે.